આ સમય પણ વીતી જશે

પંકિતા જી. શાહ
ખબર નથી પડતી કે જીંદગીનું શું થશે? કેટલો ખરાબ સમય ચાલે છે. કંઈ લાઈફ સેટ જ નથી થતી. ખબર નહીં ક્યારે લાઈફ સેટ થશે? શું કરું એ ખબર જ નથી પડતી? આવું ઘણાં બધાંને થતું હશે.
કોરોનાને લીધે ઘણાં બધાં તકલીફમાં આવી ગયા છે. કોઈનો બિઝનેસ બંધ તો કોઈની જોબ છૂટી ગઈ છે. કેટલાય લોકો ડિપ્રેશનમાં પણ આવી ગયા છે. પણ શું એમ હાર સ્વીકારી લેવાય?
કોઈ પણ કામ કરે અને વ્યક્તિને સફળતા ના મળે એટલે એ વ્યક્તિ નિષ્ફળ છે એમ સ્વીકારી લે છે એ વ્યક્તિને જીવનમાં ક્યારેય સફળતા નથી મળતી.
એક બિઝનેસમેનને બિઝનેસમાં ખૂબ નુકસાન ગયું. એને થયું કે હવે જીંદગીમાં કંઈ રહ્યું જ નથી. ખબર નહીં હવે હું શું કરીશ? ત્યાં જ એનાં મિત્રએ કહ્યું, ચિંતા ના કર. આ સમય પણ વીતી જશે. આમ પણ સમય ખરાબ ચાલતો હોય ત્યારે એક કલાક પણ એક દિવસ જેવો જાય છે. સમય પસાર જ નથી થતો. જીંદગીમાં સારો કે ખરાબ સમય બધાંનો એક સરખો નથી રહેતો. અપ્સ ડાઉન આવે જ છે.
એટલે જ સારા સમયમાં ક્યારેય કોઈની પણ સાથે ખરાબ વર્તન ના કરવું કે આપણાં ખરાબ સમયમાં લોકો સાથે ઊભા પણ ના રહે. એક દિકરો ૧૮ વર્ષનો થયો. એનાં જન્મ દિવસ પર એનાં પપ્પાએ ગ્રાન્ડ પાર્ટી રાખી હતી. એટલે એનાં પિતાએ ગિફ્ટ સાથે એક ચિઠ્ઠી એનાં દિકરાને આપી. દિકરાંએ ચિઠ્ઠી ખોલી એમાં લખ્યું હતું કે, ‘આ સમય પણ વીતી જશે’ એટલે દિકરો સમજ્યો નહીં એટલે એનાં પપ્પાએ કહ્યું,’ બેટા! અત્યારે તો તારો ખૂબ સારો સમય છે. પણ ખબર નથી કે આ સમય ક્યારે વીતી જશે. એટલે હંમેશા સમય સારો હોય કે ખરાબ પણ તારું વર્તન બધાં સાથે સારું રાખજે.’
માણસ પોતાની જાતને સારો સમજતો હોય છે પણ એને ખબર નથી કે આ બધો સમયનો ખેલ છે. જો સમય સારો હોય તો ગાંડો માણસ પણ બધાંને ડાહ્યો લાગે છે પણ સમય જ ખરાબ હોય તો ડાહ્યો માણસ પણ ગાંડો લાગે છે.
કોરોનાની ખરાબ પરિસ્થિતિમાં તકલીફમાં સર્વાઈવ કરતાં બધાં જ લોકોને એક જ ચિંતા છે કે હવે શું કરીશું? કોઈને બિઝનેસ નથી, કોઈને જોબ છૂટી ગઈ છે. તો બસ એક વાત યાદ રાખજો ‘આ સમય પણ વીતી જશે’
છેલ્લે… દરેક સમય ક્યારેય સ્થિર નથી રહેતો. નસીબ પ્રમાણે સમય અને સમય પ્રમાણે નસીબ પણ બદલાય છે.