આ સ્થળે હનુમાન દાદા અને હજરત બાવાને મેથીના ઢેબળાં પ્રસાદી રૂપે ધરાવવાનો અનેરો મહિમા

કોમી એકતાના પ્રતીક સમા ભરૂચના ભીડભંજન હનુમાનજીનો મેળો
(પ્રતિનિધિ) ભરૂચ, ભીડભંજન હનુમાન દાદા અને હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાને મેથીના ઢેબળાં પ્રસાદી રૂપે ધરાવવાનો અનેરો મહિમા રહેલો છે.
ભરૂચના ભીડભંજન વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર અને તેની સામે જ આવેલ હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહના પટાંગણમાં ૪૦૦ કરતા વધુ વર્ષોથી ભરાતો અને કોમી એકતા સમાં કોઠા પાપડીના મેળો કોરોનાના કારણે બે વર્ષથી બંધ રહ્યા બાદ પુનઃ આ વર્ષે કોરોના સંક્રમણ ઓછું થતાં માગશર માસ ના પ્રથમ ગુરુવારે તમામ કોમના લોકોએ ભીડભંજન હનુમાન દાદાના દર્શન અને હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહમાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર ભીડભંજન વિસ્તાર માં ઐતિહાસિક હનુમાનજીનું મંદિર આવેલ છે.જે હજારો હનુમાન ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે અને આ વિસ્તારનું નામ પણ દાદાના નામથી ભીડભંજન રાખવામાં આવ્યું છે અને આ ભીડભંજન હનુમાનજીના સ્થાનક નીચે એક પાતાળ કૂવો હતો
અને હનુમાનજીને ચઢાવવામાં આવતું તેલ કુવામાં જતું હતું અને કુવામાં હનુમાનજી સાક્ષાત્ બીરાજમાન હોવાના અનુભવ પણ સ્થાનિકોએ કર્યા છે.પરંતુ કૂવામાં કેટલાક લોકો પડી જતા હોવાના કારણે લોકોની સાવચેતીના ભાગરૂપે હનુમાનજી મંદિર નજીક રહેલા પાતાળ કુવાને બંધ કરી દેવામાં આવ્યો છે.
પરંતુ આજે પણ ભીડભંજન હનુમાનજી દાદાને ચઢાવવામાં આવતું તેલ પુરાણ કરાયેલા કુવાની અંદર જતું હોવાની અનુભૂતિ ભક્તો કરી રહ્યા છે અને આ ભીડભંજન હનુમાનજીના દર્શનનો વધુ માહત્મ્ય મહત્વ માગશર મહિનામાં હોય છે અને આ માગશર મહિના દર ગુરૂવારે મંદિરના પટાંગણમાં કોઠા પાપડીનો મેળો યોજાતો હોય છે.
જેના કારણે સમગ્ર ગુજરાત માંથી હજારો ભક્તો દાદાના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે અને દાદાને ટાઢો ખોરાક પ્રસાદરૂપે અર્પણ કરી પોતાની બાધાઓ માનતાઓ પૂર્ણ કરતા હોય છે.*