ઇજનેરી અને ફાર્મસી કોલેજના પ્રોફેસરોને પગાર પંચનો લાભ
અમદાવાદ: ગુજરાત સરકારે રાજ્યની એન્જિનિયરીંગ અને ફાર્મસી કોલેજના તમામ પ્રોફેસરોને ૭માં પગાર પંચનો લાભ આપવાની જાહેરાત કરી છે. વિધાનસભા ગૃહમાં નાણામંત્રી નીતિન પટેલ દ્વારા સરકારની આ મહત્વની જાહેરાતને લઇને પ્રોફેસરો વતી શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આભાર વ્યક્ત કર્યો હતો.એક તરફ રાજ્ય સરકારે કોલેજના પ્રોફેસરોને લઇને જાહેરાત કરી છે તો બીજી તરફ કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને લઇને પણ મહત્વની જાહેરાત કરી છે.
રાજ્ય સરકારની જાહેરાત અંગે શિક્ષણમંત્રીએ માહિતી આપી હતી. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગૃહમાં કહ્યું કે, એન્જિનિયરીંગ અને ફાર્મસી કોલેજના તમામ પ્રોફેસરોને ૭માં પગાર પંચનો લાભ મળશે. મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી પ્રોફેસરો વિરોધ કરી રહ્યા હતા. અનેક વખત પ્રોફેસરો સરકારમાં રજૂઆત કરી ચૂક્યા છે. રજૂઆત બાદ પણ ઉકેલ નહોતો આવ્યો. ત્યારે હવે રાજ્ય સરકારે તેમના આ માંગને ધ્યાનનમાં રાખીને જાહેરાત કરવામાં આવી છે.
બીજી તરફ નોકરિયાત વર્ગને મોદી સરકારની મોટી ભેટ આપી છે. મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને એક મોટી ભેટ આપી છે. ૧ કરોડથી વધુ લોકોને આનો લાભ મળવાની અપેક્ષા છે. શુક્રવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં સરકારે કર્મચારીઓ અને પેન્શનરોના ડેરનેસ એલાઉન્સ (ડી.એ)ને વધારવાની મંજૂરી આપી છે. મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેની સાથે જ હવે કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થું વધીને ૨૧ ટકા થઈ ગયું છે.
પહેલા કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ૧૭ ટકા હતું. આ વધારા પછી કેન્દ્રીય કર્મચારીઓને દર મહિનાના પગારમાં ૭૨૦ રૂપિયાથી ૧૦,૦૦૦ રૂપિયા સુધીનો વધારો થવાની અપેક્ષા છે. જો કે સરકારના આ નિર્ણયથી ૫૦ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ ૬૫ લાખ પેન્શનરોને ફાયદો થવાની સંભાવના છે. આમ, કેન્દ્ર અન રાજય સરકારે આજે મહત્વની જાહેરાતો કરી હતી.