ઇજાગ્રસ્ત રવીન્દ્ર જાડેજા ટી-૨૦ સીરિઝમાંથી બહાર
કેનબરા: ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી-૨૦ સીરિઝની બાકી મેચમાંથી બહાર થઈ ગયો છે. કેનબરાના મેદાનમાં પ્રથમ ટી-૨૦ દરમિયાન બેટિંગ કરતી વખતે જાડેજાને માથામાં ઈજા પહોંચી હતી. જે બાદમાં જાડેજાએ કન્કશનની ફરિયાદ કરી હતી. બાદમાં ફીલ્ડિંગ કરતી વખતે જાડેજાની જગ્યાએ કેપ્ટન વિરાટ કોહલીએ યુજવેન્દ્ર ચહલને મેદાનમાં ઉતાર્યો હતો. હવે જાડેજાની જગ્યાએ શાર્દુલ ઠાકુર ટી-૨૦માં સામેલ થશે. બીસીબીઆઈના જણાવ્યા પ્રમાણે રવીન્દ્ર જાડેજા હાલ મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રહેશે. શનિવારે જાે જરૂર પડશે તો તેને સ્કેન માટે લઈ જવામાં આવશે.
મેચ બાદ કોહલીએ જણાવ્યું હતું કે જાડેજાને માથામાં બોલ વાગ્યો હતો, જે બાદમાં તેને ચક્કર આવવા લાગ્યા હતા. જ્યારે સંજૂ સેમસને પણ ખુલાસો કર્યો હતો કે ડ્રેસિંગ રૂમમાં પણ જાડેજાને ચક્કર આવી રહ્યા હતા. રવીન્દ્ર જાડેજા પહેલા જ હેમસ્ટ્રિંગની ઈજા સામે લડી રહ્યા હતો. હવે તેને માથામાં બોલ વાગ્યો છે. પોતાના દાવ દરમિયાન ૨૦મી ઓવરનો બીજાે બોલ જાડેજાના બેટના કિનારા બાદ તેના હેલમેટ સાથે અથડાયો હતો. બોલ ટક્કર બાદ પોઈન્ટ પર ઊભેલા હેનરિક્સ પાસે ગયો ગયો હતો પરંતુ તે કેચ કરી શક્યો ન હતો.
જાડેજા તે બાદ પણ બેટિંગ કરતો રહ્યો હતો. તેણે મિચેલ સ્ટાર્કની ઓવરમાં બે બાઉન્ડ્રી પણ ફટકારી હતી. ઑલરાઉન્ડર જાડેજાએ ૨૩ બોલમાં ૪૪ રન બનાવ્યા હતા. જાડેજાની જગ્યાએ યુજવેન્દ્ર ચહલ કન્કશન સબ્સિટ્યૂટ તરીકે મેદાનમાં આવ્યો હતો. ચહલ મોટો મેચ વિનર સાબિત થયો હતો. સારી શરૂઆત બાદ ઑસ્ટ્રેલિયાની આખી ટીમ ચહલ સામે વીખેરાય ગઈ હતી. ચહલે ફક્ત ૨૫ રન આપીને ત્રણ વિકેટ ઝડપી લીધી હતી.
ચહલે એરૉન ફિન્ચ અને સ્ટીવ સ્મિથની મહત્ત્વની વિકેટ લીધી હતી. આઈસીસીએ લગભગ એક વર્ષ પહેલા કન્કશન નિયમને માન્યતા આપી હતી. આ નિયમ અંતર્ગત જાે કોઈ ખેલાડીના માથા પર ઇજા પહોંચે તો તેના સ્થાને બીજા ખેલાડીને મેદાનમાં ઉતારી શકાય છે. કન્કશન સબ્સિટ્યૂટ તરીકે ઉતરેલા ખેલાડીને બોલિંગ, બેટિંગ, વિકેટકિપિંગ અને ફિલ્ડિંગ કરવાની છૂટ હોય છે.