ઇઝરાયલ પાસેથી ભારતને સ્પાઇસ બોમ્બનો પહેલો જથ્થો મળ્યો
નવીદિલ્હી, ભારતીય વાયુસેનાના કાફલામાં સ્પાઇસ-૨૦૦૦ લેઝર ગાઇડેડ બોમ્બને સામેલ કરવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. ઇઝરાયલે આ લેઝર ગાઇડેડ બોમ્બનો જથ્થો આપવાનું શરૂ કરી દીધું છે. માર્ક ૮૪ વોરહેડ અને બોમ્બની સાથે સ્પાઇસ ૨૦૦૦ બોમ્બનો પહેલો જથ્થો રવિવારે ગ્વાલિયર પહોંચ્યો.
હાલ ભારતીય વાયુસેનાના મિરાજ-૨૦૦૦ વિમાન સ્પાઇસ-૨૦૦૦ બોમ્બથી લેસ છે. આ એ જ સ્પાઇસ ૨૦૦૦ લેઝર ગાઇડેડ બોમ્બ છે. જેનો ઉપયોગ કરી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં તબાહી મચાવી દીધી હતી. અને આંતકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી શિબિર પર હુમલો કરી તેમના હુમલાને ધૂળમાં મેળવી દીધો હતો. લેઝર ગાઇડેડ બોમ્બ એટલા ખતરનાક કે બિલ્ડિંગ ધ્વસ્ત કરી શકે
આ લેઝર ગાઇડેડ બોમ્બ એટલા ખતરનાક છે કે એકવારમાં આખી બિલ્ડિંગને ધ્વસ્ત કરી શકે છે. ૩૦૦ કરોડ રૂપિયાની લેઝર ગાઇડેડ બોમ્બની વર્તમાન ડીલ પૂર્ણ થયા બાદ વાયુસેના મોટી સંખ્યામાં બોમ્બની ખરીદીનો આદેશ આપશે. ભારતીય વાયુસેના પોતાના લડાકૂ વિમાનોને વધુ શક્તિશાળી બનાવવા માટે સુખોઇ-૩૦ એમકેઆઇને પણ ઇઝરાયલના સ્પાઇસ-૨૦૦૦ બોમ્બથી લેસ કરવાની તૈયારી કરી રહ્યા હતા. જોકે, એ વિશેની જાણકારી પ્રાપ્ત થઇ શકી નથી કે આ પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂકી છે કે હજુ પણ ચાલી રહી છે.
લેઝર ગાઇડેડ બોમ્બ સચોટ નિશાન પર તબાહી મચાવવા માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. લડાકૂ વિમાનોથી આ બોમ્બને સચોટ નિસાન લગાવી દુશ્મનને થોડીક ક્ષણોમાં જ નેસ્તાનાબૂદ કરી શકાય છે. આ પહેલા ભારતે ઇઝરાયલ પાસેથી સ્પાઇસ-૨૦૦૦ સ્માર્ટ બોમ્બના ૨૦૦ યુનિટની ખરીદી કરી હતી. તેની ખાસિયત છે કે તેને એક જીપીએસ ગાઇડેડ કિટની સાથે લગાવામાં આવે છે, જે હવામાં અનપ્લગ્ડ બોમ્બને સચોટ નિશાન લગાવી ઉડાવી શકે છે.