ઇટાલીના મિનીસ્ટર ઓફ એન્વાયરમેન્ટ સેરિગો કોસ્ટા સાથે મુખ્યમંત્રીની મુલાકાત
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સૌજ્ન્ય મુલાકાત ઇટલીના મિનીસ્ટર ઓફ એન્વાયરમેન્ટ લેન્ડ એન્ડ સી, શ્રીયુત સેરિગો કોસ્ટા – Mr. Serigo Costa એ ગાંધીનગરમાં લીધી હતી. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાઇ રહેલી કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પીસીસની ૧૩મી કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝમાં સહભાગી થવા ઇટલીના આ મંત્રીશ્રી ગુજરાત આવેલા છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તેમને ગુજરાતે પર્યાવરણ સુરક્ષા અને ગ્રીન કલીન એનર્જી ઉત્પાદન માટે સૌર – સોલાર એનર્જી સહિત સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટના અપનાવેલા નવતર આયામોની વિસ્તૃત વિગતો આ મુલાકાત દરમિયાન આપી હતી.
ઇટલીના મંત્રીશ્રીએ ગુજરાતમાં પર્યાવરણ જાળવણી, રિન્યુએબલ એનર્જી અને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટના ક્ષેત્રોમાં સહભાગીતાની તત્પરતા પણ દર્શાવી હતી.મુખ્યમંત્રીશ્રીએ આગામી ર૦ર૧માં યોજાનારી વાયબ્રન્ટ સમિટમાં ઇટલીના ડેલીગેશન સાથે જોડાવા નિમંત્રણ પણ પાઠવ્યું હતું. શ્રીયુત સેરિગો કોસ્ટાએ આ નિમંત્રણનો સ્વીકાર કરતાં વાયબ્રન્ટ સમિટમાં સહભાગી થવા ઉત્સુકતા વ્યકત કરી હતી.
આ સૌજ્ન્ય મુલાકાત બેઠક વેળાએ વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તા, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ તથા અગ્ર મુખ્ય વનસંરક્ષક શ્રી દિનેશ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.