ઇટાલીમાં કોરોના વાયરસ વધુ ખતરનાક બનતા ભય
કુલ કેસોની સંખ્યા વધીને ૩૧૫૦૬ સૂધી પહોંચી : એકલા ઇટાલીમાં ૨૦૬૦ દર્દીઓની હાલત હજુય ગંભીર
નવીદિલ્હી, યુરોપના ઇટાલીમાં હવે કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો છે. અહીં હાલમાં વિશ્વમાં સૌથી વધારે ઝડપથી કોરોના વાયરસ ફેલાઇ ગયો છે. નવા કેસોની સંખ્યા રેકોર્ડ ગતિથી વધી રહી છે. સાથે સાથે છેલ્લા ૨૪ કલાકમાં મોટી સંખ્યામાં લોકોના મોત પણ થયા છે. જે દર્શાવે છે કે ઇટાલીમાં હાલત ખરાબ છે. સ્થિતિમાં સુધારો થતા હજુ ખુબ સમય લાગી શકે છે. એકલા ઇટાલીમાં છેલ્લા ૨૪ કલાકમાં ચિંતાજનક રીતે કેસો વધ્યા બાદ આંકડો વધીને ૩૧૫૦૬ સુધી પહોંચી ગયો છે. જ્યારે મોતનો આંકડો વધીને ૨૫૦૩ સુધી પહોંચી ગયો છે.
યુરોપના મોટા ભાગના દેશો હવે કોરોનાના વિકરાળ સકંજામાં આવી રહ્યા છે. દરરોજ નવા નવા કેસો સપાટી પર આવી રહ્યા છે. ઇટાલીમાં ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીઓની સંખ્યા હવે ચીન જેટલી થઇ ગઇ છે. ચીનમાં સ્થિતિમાં ઉલ્લેખનીય સુધારો થઇ રહ્યો છે પરંતુ ઇટાલીમાં મોતનો આંકડો અને કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. ઇટાલીમાં સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં હવે દુનિયામાં સૌથી વધારે ખરાબ હાલત ઇટાલીની થઇ છે.
વિશ્વ યુદ્ધ દરમિયાન પણ આટલી મોટી સંખ્યામાં લોકોના મોત એક દિવસમાં થયા ન હતા. ઇટાલીમાં સતત બે દિવસમાં રેકોર્ડ સંખ્યામાં લોકોના મોત થયા છે. શનિવારના દિવસે એક દિવસમાં ૨૫૦ લોકોના મોત થયા હતા. ત્યારબાદ રવિવારના દિવસે ૩૬૮ લોકોના મોત થયા હતા. ત્યારબાદ સરેરાશ એક દિવસમાં ૨૫૯થી વધુ લોકોના મોત થઇ રહ્યા છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન એક દિવસમાં સરેરાશ ૨૦૭ લોકોના મોત થયા હતા. કોરોના વાયરસની સૌથી વધારે અસર હાલમાં ઇટાલીમાં જાવા મળી રહી છે.
કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. કોરોના વાયરસનો કાળો કેર દુનિયાના ૧૬૬ દેશોમાં જારી રહ્યો છે. સૌથી વધારે હાલત હવે ઇટાલીમાં ખરાબ થઇ રહી છે. બીજા વિશ્વ યુદ્ધ પહેલી સપ્ટેમ્બર ૧૯૩૯થી શરૂ થયા બાદ બીજી સપ્ટેમ્બર ૧૯૪૫ સુધી ચાલ્યું હતું. એટલે કે છ વર્ષ સુધી આ વિશ્વ યુદ્ધ ચાલ્યું હતું. આ ગાળા દરમિયાન ઇટાલીમાં ૪૫૪૬૦૦ લોકોના મોત થયા હતા. એટલે કે એક દિવસમાં ૨૦૭ લોકોના મોત એ ગાળા દરમિયાન થયા હતા.
પરંતુ કોરોનાથી આના કરતા વધુ લોકોના મોત થઇ રહ્યા છે. કોરોનામાં હજુ પણ ગંભીર દર્દીઓની સંખ્યા હજારોમાં છે જેથી મોતનો આંકડો ચીનની નજીક પણ પહોંચે તેવી દહેશત દેખાઈ રહી છે. ઈટાલીમાં રિકવર થયેલા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે પરંતુ ૨૦૦૦થી વધુ લોકો ગંભીર બનેલા છે. જેથી મોતનો આંકડો ખુબ વધી શકે છે. ચીન બાદ વિશ્વમાં સૌથી પ્રભાવિત દેશોમાં પ્રથમ નંબરે ઈટાલી છે. જ્યાં કેસોની સંખ્યા ખુબ મોટી છે.