Western Times News

Gujarati News

ઇડરઃમસ્તી કરનારી વિદ્યાર્થીનીને સોટીથી આચાર્યએ ફટકારી

બાળકો મસ્તી કરતા હોવાથી સોટી અડાડયાનો આચાર્યનો સ્વીકારઃ નશામાં વિદ્યાર્થીનીઓને મારી હોવાનો આરોપ
અમદાવાદ,  ઇડર તાલુકાના કડીયાદરામાં શનિવારે આચાર્યએ નશો કરીને ધોરણ-૬ની વિદ્યાર્થીઓને સોટી વડે માર મારી શરીરે સોળ પાડી દેતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આચાર્ય દ્વારા દારૂના નશામાં વિદ્યાર્થીનીઓને માર માર્યો હોવાના આક્ષેપ સાથે વાલીઓએ અને વિદ્યાર્થીનીઓએ કડીયાદરા કેળવણી મંડળને ફરિયાદ કરતાં ખળભળાટ મચી ગયો હતો. બીજીબાજુ, બાળકો મસ્તી કરતા હોવાથી સોટી અડાડયાનો આચાર્યએ સ્વીકાર કર્યો હતો તો, કડિયાદરા કેળવણી મંડળે સંસ્થાને બદનામ કરવા આક્ષેપ કરાયા હોવાનો બચાવ રજૂ કરી આક્ષેપમાં તથ્ય હશે તો કાર્યવાહી કરવાની વાત ઉચ્ચારી હતી.

કડીયાદરા કેળવણી મંડળ સંચાલિત સી.કે.અજમેરા તા.શાળામાં શનિવારે ધોરણ-૬ની વિદ્યાર્થીનીઓને માર મારવાના મામલે ભારે હોબાળો થયો હતો. વાલીઓ અને વિદ્યાર્થીનીઓએ કેળવણી મંડળને કરેલ લેખિત રજૂઆતમાં ગંભીર આક્ષેપ કર્યો હતો કે,આચાર્ય સેંધાભાઇ એમ. રબારીએ દારૂના નશામાં ૧૩ થી ૧૪ વિદ્યાર્થીઓને માર માર્યો હતો અને તમામ બાળકોને ચોરીવાડ સિવિલમાં સારવાર અર્થે લઇ જવાયા હોવા અંગે કેળવણી મંડળના મંત્રી અને જે.એમ.તન્નાના આચાર્યને મૌખિક જાણ કરી હતી.

છાત્રાઓની રજૂઆતમાં સોટીથી મારી ઉઠક બેઠક કરાવી હોવાનો અને લાંબા સમયથી આવુ કરી રહ્યા હોવાનો તથા શિક્ષણ ન બગડે તે હેતુસર વાલીઓને જાણ ન કરી હોવાનો આક્ષેપ કરાયો હતો. જો કે સાંજ પડતામાં જ શાળાનું આખુ પ્રકરણ શમી ગયુ હતું. આ સમગ્ર મામલે ખુદ આચાર્ય સેંધાભાઇ રબારીએ જણાવ્યું હતું કે, ચાલુ ક્લાસમાં બધા ડાન્સ કરી શોરગુલ કરતા હોવાની એક છોકરાએ ફરિયાદ કરતા ક્લાસમાં તોફાન કરતા બાળકોને સોટી અડાડી હતી તેમાં મારી ભાણી પણ હતી સંસ્થાને બદનામ કરવા ખોટા આક્ષેપ થઇ રહ્યા છે.

દરમ્યાન કડીયાદરા કેળવણી મંડળના પ્રમુખ મહેશભાઇ સુથારે જણાવ્યું હતું કે, આચાર્ય સિનિયર છે ભૂતકાળમાં તેમના માટે આવી કોઇ ફરિયાદ મળી નથી છતાં બાળકોને પૂછી સાચુ કારણ જાણવા પ્રયાસ કરીશુ છેલ્લા કેટલાક સમયથી સંસ્થાને બદનામ કરવા પ્રયાસ થઇ રહ્યા છે. તો જયાં વિદ્યાર્થીનીઓને સારવાર અપાઇ તે, ડો.સી.જી.ડામોર, ચોરીવાડ સીઅચસીએ જણાવ્યું કે, કેટલાક વિદ્યાર્થીઓને માર વાગ્યાનું જણાતાં દુઃખાવાની ગોળી આપી હતી. છ બાળકો સિવિલમાં આવ્યા હતા. તેમને માર વાગ્યાનુ જણાતા દુઃખાવાની ગોળી આપી પ્રાથમિક સારવાર આપી ઘેર મોકલ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.