ઇડરના જેઠીપુરા ગામને “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ” સબ ચેનલ તરફથી સ્વચ્છતા સેનાની એવોર્ડ.
નેત્રામલી : ટેલિવિઝન ના પડદા ઉપર ધૂમ મચાવનાર સબ ટીવી ચેનલ ઉપર પ્રસારિત લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની ટીમ ઇડર તાલુકાના જેઠીપુરા ગામના વિકાસથી પ્રભાવિત થઇ હતી અને” સ્વછતા સેનાની ” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ગામ ૨૪×૭ સ્વચ્છ રહે છે .ગામમાં એક પણ સફાઈ કામદાર ન હોવા છતાં પણ ગામના દરેક ભાઇઓ – બહેનો ભેગા મળીને ગામને સ્વચ્છ રાખે છે.
આ કામ થી પ્રભાવિત થઈ જેઠીપુરા ગ્રામપંચાયતની ટીમને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના સ્ટુડિયો – મુંબઈ ખાતે બોલાવી એવોર્ડથી સન્માનિત કરાયા હતા. તેમજ સિરિયલ માં સહભાગી થવાનો મોકો પ્રાપ્ત થયો હતો. જેઠીપુરા ગામને ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર તરફથી દિનદયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ અને નાનાજી દેશમુખ ગૌરવ ગ્રામસભા એવોર્ડ આમ બે નેશનલ એવોર્ડથી સવૅશ્રેષ્ઠ કામગીરી કરવા બદલ તલાટી કમ મંત્રી પ્રકાશ અસારી અને સરપંચ અહેસાન અલી ભટ્ટને દિલ્હી બોલાવી શ્રી મહેન્દ્રસિંહ તોમર પંચાયત મિનિસ્ટર ભારત સરકાર તરફથી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.