ઇતિહાસમાં પ્રથમ વખત, ભારત સાથે બ્રાઝીલે કર્યા, 15 MoU અને કરારો પર હસ્તાક્ષર
ભારત અને બ્રાઝિલની પશુપાલન અને ડેરી, તેલ અને કુદરતી ગેસ, બાયોએનર્જી, ઇથેનોલ, વેપાર અને રોકાણ સહિત બીજા વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવાનો નિર્ણય કર્યો હતો.
મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ બ્રાઝિલની મુલાકાત લીધી
બ્રાઝિલના કૃષિ મંત્રીના આમંત્રણના પગલે ભારત સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ 16 થી 20 મે 2022 દરમિયાન બ્રાઝિલની મુલાકાત લીધી હતી અને પશુ સંવર્ધન અનેડેરી ઉદ્યોગના નિષ્ણાતો તેમજ ખાનગી ક્ષેત્રના પ્રતિનિધિઓને સમાવતા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.
2. ભારત બ્રાઝિલને પોતાના સૌથી મહત્વપૂર્ણ ભાગીદારો પૈકી એક માને છે અને બંને દેશો વચ્ચે બહુપક્ષીય વ્યૂહાત્મક સંબંધો સ્થપાયેલા છે જે સમાન મૂલ્યો અને સહિયારા લોકશાહી આદર્શો પર આધારિત છે. જાન્યુઆરી 2020માં મહામહિમ બોલ્સોનારોની રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન, બ્રાઝિલે તેના ઇતિહાસમાં પ્રથમ વખત, કોઇ દેશ સાથે 15 MoU અને કરારો પર હસ્તાક્ષર કર્યા હતા અને પશુપાલન અને ડેરી, તેલ અને કુદરતી ગેસ, બાયોએનર્જી, ઇથેનોલ, વેપાર અને રોકાણ સહિત બીજા વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવાનો નિર્ણય કર્યો હતો.
3. મંત્રી શ્રી રૂપાલાએ તેમના બ્રાઝિલમાં પોતાના સમકક્ષ કૃષિ, પશુધન અને પુરવઠા મંત્રી મંત્રી શ્રી માર્કોસ મોન્ટેસ કોર્ડેરો સાથે ખૂબ જ ફળદાયી ચર્ચા કરી હતી અને બંને મંત્રીઓએ પારસ્પરિક લાભદાયી સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે સંમતિ દર્શાવી હતી.
4. શ્રી રૂપાલાએ કૃષિ-રસાયણોનું ઉત્પાદન અને માર્કેટિંગ કરતી અને પાક સંરક્ષણ ઉકેલો પણ પૂરા પાડતી ભારતીય બહુરાષ્ટ્રીય કંપની UPL લિમિટેડની અહીં આવેલી સુવિધાઓની પણ મુલાકાત લીધી હતી. આજે, UPL વિશ્વની 5મી સૌથી મોટી કૃષિ-રસાયણ કંપની છે. બ્રાઝિલમાં તે સતત વૃદ્ધિ પામી રહી છે અને ખેડૂતોને ક્લાઇમેટ-સ્માર્ટ બનવા અને સમગ્ર કૃષિ પ્રણાલીને ટકાઉ બનાવવામાં મદદ કરી રહી છે.
5. મંત્રી શ્રી રૂપાલાએ બ્રાઝિલિયન એસોસિએશન ઓફ ઝેબુ બ્રીડર્સ (ABCZ), ઉબેરાબાના મેયર, બ્રાઝિલિયન કોન્ફેડરેશન ઓફ એગ્રીકલ્ચર એન્ડ લાઇવસ્ટોક (CNA) અને બ્રાઝિલિયન સહકારી સંગઠનો (COB)ના પ્રમુખો સાથે પણ બેઠક યોજી હતી તેમજ સંશોધન અને વિકાસ, આનુવંશિક સુધારણા અને વેપાર અને રોકાણ દ્વારા ડેરી ક્ષેત્રમાં સહકાર વધારવાની વિવિધ રીતો પર ચર્ચા કરી હતી.
6. રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ ભારતની મુલાકાત લીધી દરમિયાન, ભારતના રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (NDDB) અને બ્રાઝિલિયન ઝેબુ બ્રીડર્સ એસોસિએશન (ABCZ) વચ્ચે ટેકનિકલ સહકારની સંયુક્ત ઘોષણા પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ઉબેરાબામાં, મંત્રીએ ઝેબુ સંગ્રહાલયની પણ મુલાકાત લીધી હતી
અને ચાર અત્યાધુનિક પશુ જીનોમિક્સ અને એમ્બ્રીયો લેબોરેટરી જેમ કે, ઝેબુએમ્બ્રીયો, ABS સીમેન અને એમ્બ્રીયોસ સેન્ટ્રલ, જીનલ એમ્બ્રીયોસ સેન્ટ્રલ અને અલ્ટા જીનેટીક્સ સીમેન સેન્ટ્રલની મુલાકાત લીધી હતી. તેમણે તેમના કાર્યની પ્રશંસા કરી હતી અને પશુપાલન તેમજ સંલગ્ન ક્ષેત્રોના ક્ષેત્રોમાં પરસ્પર લાભદાયી ભાગીદારી માટે સહકાર વધારવામાં તેમણે દર્શાવેલી રુચિને આવકારી હતી.
7. પશુપાલન અને ડેરી વિભાગ (DAHD) અને બ્રાઝિલિયન કૃષિ સંશોધન નિગમ (EMBRAPA) વચ્ચે 2016માં એક MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સંદર્ભમાં, મંત્રીએ જુઇઝ ડી ફોરામાં આવેલી એમ્બ્રાપા પશુ ડેરી (એમ્બ્રાપા ગાડો ડી લેઇટ) સંશોધન કેન્દ્રની પણ મુલાકાત લીધી
અને MoU હેઠળ કાર્ય યોજનાને વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવાની જરૂરિયાત પર ખાસ ભાર મૂક્યો હતો. બ્રાઝિલમાં ભારતીય વ્યાવસાયિકોને IVF ટેકનોલોજીમાં તાલીમ અને ભારતમાં IVF ભ્રૂણ ઉત્પાદન હાથ ધરવા માટે બ્રાઝિલની કંપનીઓની ઓળખ એ કાર્ય યોજનામાં ઓળખી કાઢવામાં આવેલી મુખ્ય પ્રવૃત્તિઓ છે.
8. બ્રાઝિલિયામાં, મંત્રી શ્રીએ બ્રાઝિલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022ની ઉજવણી માટે કર્ટન-રેઇઝર ઇવેન્ટમાં પણ ભાગ લીધો હતો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા બ્રાઝિલના યોગ શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો.
9. આયુર્વેદને પ્રોત્સાહન આપવા માટે, મંત્રી શ્રીએ બ્રાઝિલના આયુર્વેદ નિષ્ણાત ડૉ. જોસ રુગ સાથે ભાગીદારીમાં ભારતીય દૂતાવાસ દ્વારા અનુવાદ કરવામાં આવેલા આયુર્વેદ પર આધારિત કોમિક પુસ્તક “પ્રોફેસર આયુષ્માન”નું પણ વિમોચન કર્યું હતું. તેમણે જાહેર અને ખાનગી ક્ષેત્રના વિવિધ ટોચના મહાનુભાવો સાથે પણ સંવાદ કર્યો હતો.
10. ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે, ભારતીય દૂતાવાસ દ્વારા 21 મે થી 10 જૂન 2022 સુધી બ્રાઝિલિયન પ્લેનેટોરિયમ ખાતે ભારતીય અવકાશ એજન્સી ISRO દ્વારા કરવામાં આવેલી પ્રગતિને દર્શાવવા માટે અવકાશ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રીએ 20 મે 2022ના રોજ આ અવકાશ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું.
11. મંત્રીએ સાઓ પાઉલો, બ્રાઝિલિયા અને રિયો ડી જાનેરોમાં ભારતીય ડાયસ્પોરા સાથે પણ સંવાદ કર્યો હતો અને રિયો ડી જાનેરો, બ્રાઝિલિયા તેમજ સાઓ પાઉલો ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાઓ અને બાવલાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
12. આ મુલાકાત દરમિયાન મંત્રી શ્રી સાથે કેન્દ્રીય ફ્રોઝન સીમેન ઉત્પાદન અને તાલીમ સંસ્થાના નિદેશક ડૉ. બી અરુણ પ્રસાદ અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડમાં પશુ સંવર્ધનમાં વરિષ્ઠ મેનેજર ડૉ. નીલેશ નાયી તેમજ પ્રતિનિધિમંડળના અન્ય સભ્યો પણ જોડાયા હતા.