ઇન્જેક્શન ચોરતા પકડાતા ત્રીજા માળેથી કૂદકો માર્યો
વડોદરા: છૂટક મજૂરી કરતો એક મજૂર મંગળવારે વડોદરાની પ્રાઈવેટ હોસ્પિટલમાંથી ઈંજેક્શન ચોરતા પકડાઈ ગયો હતો. જે બાદ તેણે હોસ્પિટલના ત્રીજા માળેથી નીચે કુદકો મારી દેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટનામાં આરોપી નિકુંજ મકવાણાનો પગ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે તો ડોક્ટર તેના કરોડરજ્જુમાં થયેલા નુકસાન અંગે હજુ તપાસ કરી રહ્યા છે.
વડોદરાના પાદરા વિસ્તારમાં રહેતા નિકુંજ મકવાણા નામના વ્યક્તિને મંગળવારે બપોરે શહેરની એક પ્રાઈવેટ હોસ્પિટલના સ્ટાફે ચોરીના આરોપસર રંગે હાથ પકડી પાડ્યો હતો. આ આરોપી હોસ્પિટલમાંથી જ એક દર્દીના ૪૪ જેટલા ઇન્જેક્શન ચોરી કરીને પરત મેડિકલ સ્ટોરમાં વેચવા જઈ રહ્યો હતો. જોકે રંગે હાથ પકડાઈ જતા હોસ્પિટલના સ્ટાફે તેને ત્રીજા માળે એક રુમમાં પોલીસ આવે ત્યાં સુધી બેસાડી રાખ્યો હતો.
પોલીસ હોસ્પિટલ પહોંચી તે પહેલા મકવાણા વોશરુમ જવાનું બહાનું કાઢી બાથરુમમાં ગયો હતો. પરંતુ ખાસ્સી વારથી બહાર ન આવતા હોસ્પિટલના સ્ટાફે બાથરુમમાં અંદર તપાસ કરી તો બાથરુમની બારીનો કાચ તૂટેલો હતો. જ્યારે તેમણે જોયું કે મકવાણા જમીન પર બેભાન થઈને પડ્યો છે. જે બાદ તેને સારવાર માટે પાદરા હેલ્થ સેન્ટર પર લઈ જવામાં આવ્યો હતો. મકવાણાએ પોલીસને જણાવ્યું કે તેને દવા ખરીદવા માટે રુપિયા જોતા હતા
જેથી મજબૂરીમાં તેણે આ ઇન્જેક્શન ચોરી કર્યા હતા અને મેડિકલમાં પરત વેચ્યા હતા. પાદર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. પાદરા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર પી. ટી જયસ્વાલે કહ્યું કે ‘ડોક્ટર હાલ તેની સારવાર કરી રહ્યા છે પરંતુ તેમણે કહ્યું કે તેને સ્વસ્થ થતા હજુ ૬ મહિના જેટલો સમય લાગી શકે છે.