ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવાના નિર્ણયનો રિવ્યુ કરો, આ વખતે કોઈ ભૂલ ન થવી જોઈએઃ મોદી
નવી દિલ્હી, સાઉથ આફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનના ભયથી દુનિયાભરના દેશોમાં પ્રતિબંધી લગાવવાના શરૂ થઈ ગયા છે. વિશ્વમાં કોરોનાના સાઉથ આફ્રિકન વેરિઅન્ટની દહેશત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધિકારીઓની સાથે કોરોનાના નવા વેરિયન્ટ મુદ્દે એક બેઠક યોજી હતી. મોદીએ કહ્યું કે નવા વેરિયન્ટ બાબતે આપણે અત્યારથી જ એલર્ટ રહેવું પડશે. તેમણે અધિકારીઓને ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવાના નિર્ણયનો રિવ્યુ કરવા જણાવ્યુ હતું.
નવા વેરિયન્ટ સામે આપણે અત્યારથી જ તૈયારીની જરૂર છે, જે વિસ્તારોમાં વધુ કેસ આવી રહ્યા છે, ત્યાં નજર અને કન્ટેઇનમેન્ટ જેવી સખતાઈ રાખવામા આવે, લોકોએ વધુ સતર્ક રહેવાની જરૂર છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પણ યોગ્ય રીતે પાલન કરવામાં આવે, ઇન્ટરનેશનલ મુસાફરીમાં છૂટ આપવાની યોજનાઓની સમીક્ષા કરવામાં આવે, કોરોના વેક્સિનનો બીજો ડોઝ વધારવા બાબતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે, રાજ્યોએ તે વાત પર ધ્યાન આપવું પડશે કે જે લોકોને પ્રથમ ડોઝ મળી ગયો છે, તેમને બીજો સમય સમયસર આપવામાં આવે.
મોદીની અધ્યક્ષતામાં આ બેઠક એવા સમયે યોજાઇ છે જ્યારે આફ્રિકામાં મળેલા કોરોનાના નવા વેરિઅન્ટે દુનિયાભરના દેશોની ચિંતા વધારી છે. દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા મલ્ટિપલ મ્યુટેશન સાથેના કોવિડ વેરિઅન્ટ વિશે દુનિયાભરના દેશો ભયભીત થઈ ગયા છે. સાઉથ આફ્રિકાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ફેક્શન ડિસીઝે કહ્યું- દેશમાં અત્યાર સુધીમાં આ પ્રકારના 22 કેસ જોવા મળ્યા છે. વૈજ્ઞાનિકોએ તેને B.1.1.529 નામ આપ્યું છે. તેને વેરિઅન્ટ ઓફ સીરિયસ કન્સર્ન જણાવવામાં આવ્યો છે.