ઇન્ટર્ન ડૉક્ટરોની હડતાળનો ત્રીજા દિવસે અંત: નીતિન પટેલે ખાતરી આપ્યા બાદ હડતાળ સમેટી

ગાંધીનગર, રાજ્યની સરકારી કોલેજના ઈન્ટર્ન તબીબો સ્ટાઇપેન્ડ અને ઇન્સેન્ટિવ વધારાની માગ સાથે હડતાળ પર ઊતર્યા હતા. જેનો અંત આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ડોક્ટરોની માગણીઓની નિવારણ લાવવાની ખાતરી આપતા ઇન્ટર્ન ડોક્ટરોએ હડતાળ સમેટી લીધી છે. આજે હડતાળનો ત્રીજો દિવસ હતો. ત્યારે ઈન્ટર્ન તબીબોએ આજે પરોક્ષ રીતે દર્દીઓની સેવા થાય એ માટે બ્લડ ડોનેશન કર્યું હતું.
બી.જે મેડિકલ કોલેજના 25 જેટલા તબીબોએ આજે બ્લડ ડોનેશન કર્યું હતું, જ્યારે રાજ્યમાં 100 ઈન્ટર્ન તબીબોએ બ્લડ ડોનેશન કર્યું હતું. ઈન્ટર્ન તબીબોનું કહેવું છે કે, ‘જ્યાં સુધી અમારી માગ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. એ ઉપરાંત આજે જુનિયર ડોકટર એસોસિયેશન દ્વારા સરકારને 7 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, જેમાં કહ્યું હતું છે કે જો રેસિડેન્ટ અને જુનિયર ડૉક્ટરોને લગતી બાબતોનું 19 ડિસેમ્બર સુધી નિરાકરણ નહીં આવે તો 21 ડિસેમ્બર, સોમવારથી તેઓ હડતાળ પર ઊતરશે.’
બી.જે. મેડિકલના ઈન્ટર્ન ડૉક્ટર મુદ્રા શાહે કહ્યું હતું કે અમે વિરોધ નહીં, પણ અમારી નારાજગી વ્યક્ત કરી રહ્યા છીએ. અમે સરકાર પાસે માત્ર અમારું હકનું મહેનતાણું માગી રહ્યા છીએ. સરકાર જેટલી ઝડપથી અમારી માગોને સ્વીકારી લે એટલા વધુ ઉત્સાહથી અમે અમારી ફરજો પર જોડાઈ જઈશું. અમે સરકાર પાસે અમારી માગોનો સ્વીકાર લેખિતમાં માગીએ છીએ, એક બાજુ અમારી નારાજગી વ્યક્ત કરી રહ્યા છીએ તો બીજી બાજુ, પેશન્ટની કેર લેવા માટે અમે બ્લડ ડોનેશનનો કેમ્પ શરૂ કર્યો છે. કાલથી અમે લોકો વિચારી રહ્યા છીએ કે કમ્યુનિટીમાં જઈને કોવિડ અવેરનેસના જે કેમ્પ છે એ ચાલુ કરીએ જેને લીધે દર્દીની કેર પણ લેવાઈ શકે.