ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં વિકરાળ આગ બાદ સિલિન્ડર બ્લાસ્ટ
સુરત: શહેરનાં કામરેજ તાલુકાના ઉભેળ ગામમાં આવેલા ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં ફોર્મના ગાદલા બનાવવાની ફેક્ટરીમાં રવિવારે સાંજે લાગેલી વિકરાળ આગ લાગી હતી. આ આગની ચપેટમાં બાજુની ટેક્સટાઇલ ફેક્ટરી પણ આવી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ૧૦થી વધુ ફાયરબ્રિગેડની ટીમોએ સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં કોઇ જાનહાનીનાં સમાચાર સામે આવ્યા નથી. આ અંગે મળતી માહિતી પ્રમાણે, ઉંભેળ ખાતે આવેલા ઓમ ઇન્ડસ્ટ્રિલ વિભાગ-૩માં આવેલી રાધે ફોર્મ નામની ગાદલા બનાવતી કંપનીમાં આગ ભભૂકી હતી.
આગે ગણતરીના સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલી આર્યા ટેક્સટાઇલ ફેક્ટરીને પણ ચપેટમાં લીધી હતી. ટેક્સટાઇલ ફેક્ટરીમાં વોટરજેટ મશીન હોવાથી અંદર સમાવિષ્ટ ગેસ સિલિન્ડરો પણ આગના સંપર્કમાં આવતા સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં લોકોના જીવ અધ્ધર થયા હતા. બનાવની જાણ થતા ઉંભેળ ગામના સરપંચ દર્શન પટેલ બનાવના સ્થળે પહોંચ્યા હતા. જે બાદ તેમણે ફાયરબ્રિગેડને જાણ કરતા કામરેજ અને પલસાણાની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.
આગે થોડા જ સમયમાં વિકારળ સ્વરૂપ લઈ લીધુ હતુ. તેથી સુરત, સચિન, બારડોલી, કડોદરા, કીમથી અન્ય ફાયરબ્રિગેડને બોલાવાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ પાણીનો સતત મારો કરીને આગને બુઝાવવા પ્રયાસ કરતા આગ પર કાબૂ મેળવી લેવાયો છે. સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. શહેરમાં અન્ય એક જગ્યા પર પણ આગનો બનાવ સામે આવ્યો હતો. ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ, રિંગરોડ પર આવેલી મુલચંદ માર્કેટમાં ત્રીજા માળે વિવિધ દુકાનોના ૩૯ જેટલા વીજ મીટરો મૂકવામાં આવ્યા હતા.
મોડી રાત્રે મીટર પેટીમાં અચાનક ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી જેના લીધે ધુમાડો નીકળવા માંડ્યો હતો. જેથી ત્યાં ભારે નાસભાગ થઈ ગઈ હતી. ફાયરની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે ધસી ગયા હતા ત્યાં ડુંભાલ તથા માન દરવાજા અને ઘાંચી શેરી ફાયર સ્ટેશનની ગાડી પહોંચી ગઈ હતી. જાેકે ફાયર જવાનો અડધો કલાકમાં આગ કાબુમાં લીધી હતી. આગને લીધે ૩૯ મીટર તથા વાયરીંગ મીટર પેટી સહિતની ચીજવસ્તુઓ બળી ગઈ હતી આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નહી હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું.