ઇન્ડસ યુનિવર્સિટીએ ‘ઇન્ડિયન નૉલેજ સિસ્ટમ’ અંગેના અભ્યાસક્રમના લૉન્ચની જાહેરાત કરી

ડૉ. સુબ્રમણ્યનિયન સ્વામીએ ઇન્ડસ યુનિવર્સિટીમાં વિશેષ વ્યાખ્યાન આપ્યું
અમદાવાદ, ખ્યાતનામ સંસદસભ્ય, અર્થશાસ્ત્રી, લેખક અને વિચારક ડૉ. સુબ્રમણ્યનિયન સ્વામીએ આજે ઇન્ડસ યુનિવર્સિટીમાં ‘Who Are We? A Quest for National Identity’ (‘આપણે કોણ છીએ?: રાષ્ટ્રીય ઓળખનો કોયડો’) વિષય પર એક વિશેષ વ્યાખ્યાન આપ્યું હતું. આ પ્રસંગે ડૉ. સ્વામી દ્વારા ઇન્ડસ યુનિવર્સિટી ખાતે ઇન્ડિયન નૉલેજ સિસ્ટમ પર એક નવા અભ્યાસક્રમને પણ લૉન્ચ કરવામાં આવ્યો હતો.
ડૉ. સ્વામીએ એ બાબત પર ભાર મૂકીને પોતાના વ્યાખ્યાનની શરૂઆત કરી હતી કે, દરેક મહાન રાષ્ટ્ર પોતે કોણ છે તેની સ્પષ્ટ સમજણ ધરાવે છે. અમેરિકા પોતાને શ્વેત, પ્રોટેસ્ટન્ટ, ખ્રિસ્તી દેશ માને છે. બ્રિટન જેવા અન્ય મહાન રાષ્ટ્રો પણ તેમની રાષ્ટ્રીય ઓળખ અંગે સ્પષ્ટ ખ્યાલ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતની ઓળખ હિંદુ ઓળખ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીયતા અથવા નાગરિકતા એ રાષ્ટ્રીય ઓળખથી અલગ બાબત છે.
ડૉ. સ્વામીએ એમ પણ જણાવ્યું હતું કે, ભારત એક નવો પ્રજાસત્તાક દેશ છે, પરંતુ તે નવો દેશ નથી. હિંદુ સંસ્કૃતિ એ એકમાત્ર પ્રાચીન સંસ્કૃતિ છે જે હજુ પણ ટકી રહી છે, કારણ કે, હિંદુઓ હંમેશા તમામ આક્રમણકારો સામે બહાદુરીપૂર્વક લડ્યાં હતાં. ડાબેરી ઇતિહાસકારોએ ભારતીય ઇતિહાસ સાથે ચેડાં કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આપણે આપણા ઇતિહાસને સુધારવો પડશે. સ્વામીએ જણાવ્યું હતું કે, હાલમાં થયેલા વૈજ્ઞાનિક સંશોધનો અને પુરાતત્વીય ઉત્ખનનો હિંદુ સંસ્કૃતિની પ્રાચીનતાને પુનઃસ્થાપિત કરી રહ્યાં છે. સ્વામીએ એમ પણ જણાવ્યું હતું કે, ભારતીય પુરાણો કાલ્પનિક નથી, તે ઐતિહાસિક તથ્યો પર આધારિત છે. તેમણે એમ પણ જણાવ્યું કે, સંસ્કૃત ભાષાને ફરી એકવાર ભારતની સંપર્ક ભાષા બનાવવી જોઇએ.
ડૉ. સ્વામીએ જણાવ્યું હતું કે, હિંદુત્ત્વ અંગે ગર્વ લેવાને સાંપ્રદાયિકતા તરીકે ન જોવું જોઇએ, કારણ કે, હિંદુત્વ એ અન્ય કોઇપણ વિચારો કરતા વધુ સારી રીતે ભારતની લાક્ષણિકતાને વર્ણવે છે. તેમણે જણાવ્યું કે, ધર્મનિરપેક્ષતા એ વિદેશી વિભાવના છે અને તેને કટોકટીના કાળા કાળ દરમિયાન ઇંદિરા ગાંધી સરકાર દ્વારા આપણા બંધારણમાં જોડી દેવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, ભારત એકમાત્ર એવો દેશ છે, જે ક્યારેય ધાર્મિક અત્યાચારમાં સંલગ્ન થયો નથી. તેમણે એમ પણ જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિએ અન્ય કોઇપણ સંસ્કૃતિની સરખામણીએ સ્ત્રીઓ સાથે વધુ સારી રીતે વ્યવહાર કર્યો છે. તેમણે જણાવ્યું કે, કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને જૂનાગઢથી દિબ્રુગઢ સુધી તમામ ભારતીયો સમાન છે અને એક જ ડીએનએ ધરાવે છે.
ડૉ. સ્વામીના વ્યાખ્યાન બાદ એક સંવાદાત્મક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. સીસીએ પરના પ્રશ્નનો ઉત્તર આપતા ડૉ. સ્વામીએ જણાવ્યું હતું કે, સીએએ ઐતિહાસિક ભૂલોને સુધારવા માટેનું યોગ્ય પગલું છે અને તેને ઘણાં પહેલાં જ લાવી દેવા જેવો હતો. સીએએ કોઇની પણ નાગરિકતા છીનવતો નથી, તે ફક્ત પડોશી દેશોમાં ધાર્મિક રીતે પ્રતાડિત સમુદાયોને નાગરિકતા પ્રદાન કરે છે.
ડૉ. સુબ્રમણ્યનિયન સ્વામી દ્વારા ઇન્ડસ યુનિવર્સિટી ખાતે ઇન્ડિયન નૉલેજ સિસ્ટમ શીર્ષક ધરાવતો અભ્યાસક્રમ લૉન્ચ કરવામાં આવ્યો હતો, જેણે આ કાર્યક્રમને વિશેષ બનાવી દીધો હતો. આ અભ્યાસક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ, તેની બહુવિષયક જ્ઞાનની સમૃદ્ધ પરંપરા અને સંસ્કૃતિના વિવિધ ક્ષેત્રોમાં તેની વાસ્તવિક સિદ્ધીઓના મૂળભૂત તત્ત્વોથી પરિચિત કરવાનો છે.
તે ભારતની બૌદ્ધિક, સાહિત્યિક, કલાત્મક, સામાજિક, વૈજ્ઞાનિક અને ટેકનોલોજી સંબંધિત વારસા પરનો એક વ્યાપક અભ્યાસક્રમ છે. તે ભારતીય સંસ્કૃતિના મૂળભૂત સિદ્ધાંતો; ભારતીય તર્કશાસ્ત્ર; અર્થશાસ્ત્ર, વ્યવસાય અને મેનેજમેન્ટના ભારતીય આદર્શો; ભારતીય વિજ્ઞાન અને ટેકનોલોજી; કલા અને સૌંદર્યશાસ્ત્ર; મંદિર પરંપરા અને સ્થાપત્યકલા; ભારતીય ભાષા અને સાહિત્ય; ભારતીય જીવ વિજ્ઞાન; ભારતીય ઇતિહાસ સહિતના વિવિધ વિષયોને આવરી લેશે. આ અભ્યાસક્રમમાં બે સત્રમાં વહેંચાયેલા પ્રત્યેક 2 કલાકના 30 વ્યાખ્યાનોનો સમાવેશ કરવામાં આવશે.
વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કર્યા બાદ દરેક સત્ર પૂર્ણ થયાં બાદ પ્રમાણપત્ર પૂરું પાડવામાં આવશે. આ અભ્યાસક્રમમાં રસ ધરાવતી ઇન્ડસ યુનિવર્સિટીની બહારની વ્યક્તિઓ પણ તેમાં પ્રવેશ મેળવી શકશે. આ અભ્યાસક્રમને ઇન્ડસ યુનિવર્સિટીના આગામી શૈક્ષણિક સત્રમાં વૈકલ્પિક વિષય તરીકે ભણાવવામાં આવશે. પોતાના અભ્યાસક્રમમાં આ પ્રકારના કૉર્સનો સમાવેશ કરનાર ઇન્ડસ યુનિવર્સિટી પ્રથમ છે.
ઇન્ડસ યુનિવર્સિટી ખાતેનું ‘સેન્ટર ફૉર ઇન્ડિક સ્ટડીઝ’એ આ અભ્યાસક્રમની રચના કરી છે. સીઆઇએસની સ્થાપના ભારતના ધાર્મિક વૃતાંતને પુનઃસ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી છે. તેનો હેતુ ભારતની જ્ઞાનપરંપરાના અને સાંસ્કૃતિક તથા સભ્યતા સંબંધિત વારસાને તેના મૂળભૂત સ્વરૂપમાં રજૂ કરવાનો છે, જેને ઘણીવાર ખોટી રીતે રજૂ કરવામાં આવે છે. ઇન્ડિક ટૉક્સ, ઇન્ડિક કૉર્સિસ અને ઇન્ડિક વાર્તા એ સીઆઇએસની મુખ્ય પ્રવૃત્તિઓ છે.
મુખ્ય અતિથિ તરીકે ડૉ. સ્વામી, ઇન્ડસ યુનવિર્સિટીના અધ્યક્ષ ડૉ. નાગેશ ભંડારી, સહ-અધ્યક્ષ શ્રીમતી રીતુ ભંડારી, વાઇસ ચાન્સેલર પ્રો. ડૉ. એમ. મુરુગાનંતની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિએ આ કાર્યક્રમને વિશેષ બનાવી દીધો હતો. ખ્યાતનામ ઉદ્યોગપતિ શ્રી પ્રકાશ જાલાનને આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યાં હતા.