ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના પ્રતિનિધિઓએ માનવ કલ્યાણનું મિશન જીવન સાથે જોડ્યું છેઃ રાજ્યપાલ
(માહિતી) અમદાવાદ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા આયોજિત વાર્ષિક સાધારણ સભાના અધ્યક્ષસ્થાનેથી ઉદબોધન કરતા જણાવ્યું છે કે, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પ્રતિનિધિઓએ માનવ કલ્યાણનું મિશન જીવન સાથે જાેડ્યું છે.
તેમણે જણાવ્યુ હતું કે, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય શાખા છે. રાજ્યના ૩૩ જિલ્લા તથા ૭૯ તાલુકા શાખાઓમાં રેડ ક્રોસનું વિશાળ નેટવર્ક છે. આ શાખાઓ દ્વારા સમાજના કલ્યાણ અર્થે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે આપણા સૌ માટે ગર્વની વાત છે.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્યની શાખાઓ હંમેશાં જરૂરતમંદ લોકોને આરોગ્યસેવાના ક્ષેત્રથી માંડીને આફતના સમયે રાહતકાર્યો જેવી અનેકવિધ સેવાઓને માનવતાના ધોરણે પૂરી પાડે છે તેમ જણાવી રાજ્યપાલએ ઉમેર્યુ હતું કે, કોરોના સંક્રમણના કપરાં કાળમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું હતું એટલું જ નહીં બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા રક્ત એકત્ર કરવાની પ્રવૃત્તિમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દેશભરમાં પ્રથમ સ્થાને રહી છે, તે સૌ માટે પ્રેરણાદાયક છે.
રાજ્યપાલએ એમ પણ જણાવ્યુ હતું કે માનવજીવનની સફળતા કર્મને આધિન છે, અને એ જ વ્યક્તિનું જીવન સફળ છે જે સદકર્મના માર્ગે જીવન વ્યતિત કરે છે.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની માનવતાવાદી પ્રવૃત્તિઓના સાક્ષી તરીકે તેને સફળ બનાવવા અને પ્રોત્સાહિત કરવા રેડ ક્રોસને દાતાશ્રીઓનો હર – હંમેશ સહયોગ મળી રહ્યો છે તેની નોંધ પણ રાજ્યપાલશ્રીએ લીધી હતી અને આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના માનવતાના મહાયજ્ઞમાં આર્થિક સહયોગ આપનારા દાતાઓનું સન્માન પણ કર્યુ હતુ.
આ સાધારણ સભામાં શ્રેષ્ઠ કાર્ય કરનારી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની જિલ્લા અને તાલુકા શાખાઓને પણ રાજ્યપાલશ્રીએ પારિતોષિકથી સમ્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬-૧૭ અને વર્ષ ૨૦૧૭-૧૮ માટે ગુજરાત રેડક્રોસ શાખાને શ્રેષ્ઠ કામગીરી બદલ સુવર્ણ ચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના કમિશનર શાહમીના હુસેન, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજય ભાઈ પટેલ, વાઇસ ચેરમેન અજયભાઈ દેસાઈ, જનરલ સેક્રેટરી ડો. પ્રકાશ પરમાર સહિત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પદાઘિકારીઓ તેમજ તાલુકા અને જિલ્લાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.