ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પો.એ સેબીમાં IPO પેપર્સ ફાઇલ કર્યાં
ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC)એ 178 કરોડથી વધુ શેર્સના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) માટે બજાર નિયામક સેબી સમક્ષ પેપર્સ ફાઇલ કર્યાં છે. શુક્રવારે સેબીમાં ફાઇલ કરાયેલા ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટસ મૂજબ આઇપીઓ હેઠળ 1,782,069,000 ઇક્વિટી શેર્સનું વેચાણ કરાશે. તેમાં 1,188,046,000 ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને ભારત સરકાર દ્વારા 59.4 કરોડ ઇક્વિટી શેર્સના ઓફર ફોર સેલ સામેલ છે.
આઇપીઓ દ્વારા પ્રાપ્ત કરાયેલા ભંડોળનો ઉપયોગ બિઝનેસની વૃદ્ધિ અને કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે મૂડીની ભાવિ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે કરાશે.
ડીએએમ કેપિટલ માર્કેટ એડવાઇઝર્સ (અગાઉ આઇડીએફસી સિક્યુરિટિઝ), એચએસબીસી સિક્યુરિટિઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ, આઇસીઆઇસીઆઇ સિક્યુરિટિઝ અને એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ ઓફરને મેનેજ કરી રહ્યાં છે. અગાઉ જાન્યુઆરીમાં આઇઆરએફસીએ આઇપીઓ માટે ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યાં હતાં, જેમાં 93.8 કરોડ ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને ભારત સરકારના 46.9 કરોડ ઇક્વિટી શેર્સના ઓફર ફોર સેલ સામેલ હતાં.