ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 30 કિલોમીટર સુધી રાખ પહોંચી

જકાર્તા, ઇન્ડોનેશિયામાં મોટો જ્વાળામુખી સક્રિય થયો છે. જેના કારણે અંદાજે 2 કિલોમીટરની ઉંચાઇ સુધી રાખના વાદળ પહોંચ્યા છે. ઇન્ડોનેશિયા સરકારે ત્રીજા સ્તરની ચેતવણી જાહેર કરી છે. જ્વાળામુખી વિસ્ફોટના પગલે તમામ યાત્રી વિમાનોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. આ જ્વાળામુખી ફાટવાથી નિકળેલી રાખ 30 કિલોમીટર સુધી પહોંચી છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે શનિવાર રાતથી જ જ્વાળામુખીમાંથી રાખ અને લાવા નિકળવાનું શરુ થયું હતું. જે લગભગ એક કલાક સુધી શરુ રહ્યું.
ઇન્ડોનેશિયાના અધિકારીઓએ પર્યટકો અને સ્થાનિક લોકોને વિસ્ફોટ વાળા વિસ્તારથી ત્રણ કિલોમીટર સુધી દૂર રહેવાનું કહ્યું છે. જ્વાળામુખીમાંથી નિકળતી રાખના કારણે ખેતરમાં ઉભેલા પાકને ભારે નુકસાન થઇ રહ્યું છે. આસપાસ રહેતા લોકોનું કહેવું છે કે જ્વાળામુખી પર્વતથી પાંચ કિલોમીટર સુધી આ વિસ્ફોટના અવાજ સંભાળાયા હતા. સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે આ જ્વાળામુખી વિસ્ફોટના કારણે આસપાસના ચાર જિલ્લા સૌથી વધારે પ્રભાવિત થયા છે.