Western Times News

Gujarati News

ઇન્દોરના ૧૭ વર્ષીય સંદીપના ગળાનો મણકો સંપૂર્ણપણે ફરી ગયો હતો

ઇન્દોરના ૧૭ વર્ષીય સંદીપના ગળાનો મણકો સંપૂર્ણપણે ફરી ગયો હતો..

સિવિલના સ્પાઇન સર્જન દ્વારા અતિ ગંભીર ગણાતી એટલાન્ટો એક્સીઅલ ડીસલોકેશન સર્જરી કરીને તેને પૂર્વવત કરાયુ

ઇન્દોરમાં રહેતા ૧૭ વર્ષીય સંદીપ ૮ મહીના પહેલા એકાએક પડી જવાથી હલન-ચલનમાં તકલીફ પડવા લાગી. ધાબા પરથી પડી જવાથી તેમના ગળાના મણકામાં ગંભીર ઇજા થઇ હતી.. જેના કારણે તેમનું પરિવાર ખૂબ જ ચિંતિત હતુ.

ખેતમજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન કરતુ આ પરિવાર પોતાના દિકરાની ઇજાની સારવાર માટે ઇન્દોરની સરકારી તેમજ અન્ય ખાનગી હોસ્પિટલમાં ઠેર-ઠેર ધક્કા ખાધા, પરંતુ બધા તબીબોએ સર્જરી કરવાની ના પાડી દીધી…અન્ય એક તબીબે સર્જરી માટે તૈયારી દાખવી તો તે અતિ ખર્ચાળ હતી. જે આ ગરીબ પરિવારને પરવળે તેમ ન હતુ. એવામાં સંદીપના સગા ઇન્દર ભાઇ કે જેઓએ અગાઉ ૩ થી ૪ વખત ઇન્દોર થી અમદાવાદ સિવીલ આવી તેમના ઓળખીતા દર્દીઓની સારવાર સિવિલના ઓર્થોપેડિક વિભાગમાં કરાવી હતી તેઓએ સંદીપને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવવા કહ્યુ.

ઇન્દર ભાઇએ સંદીપને સિવિલ હોસ્પિટલ અને ખાસ કરીને ઓર્થોપેડિક અને સ્પાઇન વિભાગનો હકારાત્મક પ્રતિભાવ આપતા સંદીપ અને તેમના પરિવારે પણ સિવિલ હોસ્પિટલમાં આવીને જ સર્જરી કરાવવાની પ્રતિબધ્ધતા દાખવી અને બીજા જ દિવસે તેઓ સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા…

સિવિલ હોસ્પિટલ આવ્યા ત્યારે તેમનું એક્સ-રે, એમ.આર.આઇ. અને સી.ટી.સ્કેન કરવામાં આવ્યુ. જેમાં જાણવા મળ્યુ કે તેમને એટલાન્ટો એક્સીઅલ ડીસલોકેશન નામની ગંભીર ઇજા થઇ છે. સામાન્ય પણે આવી ઇજામાં મણકો ડાભી અથવા જમણી બાજુએ ખસી જતો હોય છે પરંતુ સંદીપના કીસ્સામાં ગળાના ભાગ નો પહેલો-બીજો મણકો (એટલાન્ટો એક્સીઅલ ડીસલોકેશન) ધૂમી ગયો હતો જે કારણોસર આ સર્જરી અતિગંભીર બની રહી હતી..

સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ અને સ્પાઇન સર્જરી વિભાગના વડા ડૉ.જે.પી. મોદી અને તેમની ટીમ માટે પણ આ પ્રકારની સર્જરી પડકારજનક બની રહી હતી . તેઓએ પોતાની સ્કીલ દ્વારા ન્યુરોનીટરીંગ સાથે આ સર્જરી હાથ ધરીને સંદીપના ગળાના મણકાના ભાગને પૂર્વવત કર્યુ..આ પ્રકારની સર્જરીમાં દર્દીના નાના મગજની ખૂબ જ નજીક રહીને સંપૂર્ણ સર્જરી કરવી પડે છે જેમાં નાના મગજને પણ ઇજા પહોંચવાની શક્યતાઓ રહેલી હોય છે જેના કારણે દર્દીને આઇ.સી.યુ. મા પણ દાખલ કરવા પડે. પરંતુ ડૉ. મોદીની નિપુણતા ના કારણે આ સર્જરી કોઇપણ પ્રકારની અન્ય ગંભીર સમસ્યા વગર સફળતાપૂર્વક પાર પડી.આજે સંદીપ સંપૂર્ણ પણે સ્વસ્થ અને સાજો થયો છે અને હલન ચલન કરી શકવા સક્ષમ બન્યો છે અને ટૂંક સમયમાં તેને રજા આપવામાં આવશે.

સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ અને સ્પાઇન સર્જરી વિભાગના વડા ડૉ. જે.પી. મોદી કહે છે કે સંદીપના ગળાના ભાગની સર્જરી પડકારનજક હતી. પરંતુ અમારી ટીમ દ્વારા તે સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. અમારા ત્યાં મધ્યપ્રદેશ , રાજસ્થાન અને મહારાષ્ટ્રથી વિવિધ દર્દીઓ સર્જરી અર્થે હોસ્પિટલમાં આવતા હોય છે.. તેમના પ્રતિભાવ તેઓ પોતાના રાજ્યમાં ઘરે પહોંચીને અન્ય દર્દીને આપે છે જે કારણોસર અન્ય દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં ફક્ત વિશ્વાસ જ નહીં પરંતુ શ્રધ્ધા સાથે સર્જરી માટે આવે છે.. અમારા તબીબોના પૂરા પ્રયત્નો રહે છે કે અમે તમામ દર્દીઓના વિશ્વાસ પર ખરા ઉતરીએ…


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.