ઇન્દોર ટેસ્ટ મેચ: વિરાટ શૂન્ય રને આઉટ થઇ ગયો
ઇન્દોર, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચના આજે બીજા દિવસે કેપ્ટન વિરાટ કોહલી શૂન્ય રને આઉટ થયો હતો. બે વર્ષમાં પ્રથમ વખત તે શૂન્ય રનમાં આઉટ થયો છે. ટીમ ઇન્ડિયાએ પ્રથમ દિવસે એક વિકેટે ૮૬ રનથી આગળ રમતા આજે ધરખમ બેટિંગ કરી હતી અને જંગી જુમલો ખડક્યો હતો.
જો કે, આજે ભારત માટે નિરાશાની બાબત એ રહી હતી કે, કેપ્ટન વિરાટ કોહલી શૂન્ય રને આઉટ થયો હતો. રેકોર્ડ ઉપર નજર કરવામાં આવે તો છેલ્લા બે વર્ષમાં પ્રથમ વખત આવું બન્યું છે જ્યારે કેપ્ટન સ્થાનિક મેદાન ઉપર ટેસ્ટ મેચમાં ઇનિંગ્સ દરમિયાન ખાતુ ખોલી શક્યો નથી. છેલ્લે શ્રીલંકાની સામે નવેમ્બર ૨૦૧૭માં કોલકાતા ટેસ્ટ મેચ દરમિયાન આવું બન્યુ હતુ જ્યારે સુરંગા લકમલે વિરાટ કોહલીને ખાતુ ખોલ્યા વગર જ આઉટ કરવામાં સફળતા મેળવી હતી. ખાતુ ખોલ્યા વગર સ્થાનિક મેદાન પર આઉટ થવાની વાત કરવામાં આવે તો વિરાટ કોહલી ત્રીજી વખત આ રીતે આઉટ થયો છે. બાંગ્લાદેશ અને શ્રીલંકાથી પહેલા ઓસ્ટ્રેલિયાની સામે ૨૦૧૬-૧૭ની શ્રેણીમાં તે શૂન્ય રને આઉટ થયો હતો. પુણેમાં રમાયેલી ટેસ્ટ મેચમાં તે ઝડપી બોલર સ્ટાર્કની બોલિંગમાં ખાતુ ખોલ્યા વગર આઉટ થયો હતો. જા કે, વિરાટ કોહલી આઉટ થયા બાદ ભારતીય ટીમે શાનદાર બેટિંગ જારી રાખી હતી અને જંગી રંનનો ખડકો કરી દીધો હતો.