ઇન્ફોસીસની માર્કેટ કેપમાં ૫૩,૪૫૧ કરોડનો ઘટાડો
મુંબઈ, આઈટી સર્વિસ કંપની ઇન્ફોસીસના શેરમાં મંગળવારે ઉલ્લેખનીયરીતે ૧૬ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. જેથી તેની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીય ઘટાડો થયો હતો. તેની માર્કેટ મૂડીમાં ૫૩૪૫૧ કરોડથી વધુનો ઘટાડો થયો હતો. એવી ફરિયાદ થઇ છે કે, કંપનીના બે ટોપના કારોબારીઓ શોર્ટ ટર્મ રેવેન્યુ અને પ્રોફિટને વધારવા માટે કેટલીક ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ રહ્યા છે. એવી ફરિયાદ પણ થઇ છે કે, કંપનીના ટોચના અધિકારીઓએ ગેરરીતિ આચરી હતી.
આજે કારોબાર દરમિયાન કંપનીના શેરમાં ૧૬.૨૧ ટકાનો ઘટાડો રહેતા તેની કિંમત ઘટીને ૬૪૩.૩૦ સુધી પહોંચી ગઈ હતી. દિવસ દરમિયાન એક વખતે તેના શેરની કિંમત ૧૬.૮૬ ટકા સુધી ઘટી હતી. એપ્રિલ ૨૦૧૩ બાદથી તેના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો છે. નેશનલ સ્ટોક એક્સચેંજમાં તેના શેરમાં આજે ૧૬.૬૫ ટકાનો ઘટાડો રહ્યો હતો જેથી તેના શેરની કિંમત ૬૪૦ રહી હતી.
આ શેરમાં ઘટાડો થતાં કંપનીની માર્કેટ મૂડીમાંથી ૫૩૪૫૦.૯૨ કરોડનું ગાબડું પડ્યું હતું. આની સાથે જ તેની માર્કેટ મૂડી હવે ૨૭૬૩૦૦.૦૮ કરોડ થઇ ગઇ હતી. સેંસક્સ અને નિફ્ટી બંનેમાં ભારે ઉથલપાથલ રહી હતી. કંપનીના ૧૧૭.૭૦ લાખ શેરમાં બીએસઈમાં, ૯ કરોડ શેરમાં એનએસઈમાં કારોબાર થયો હતો. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, એક ગ્રુપ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે, શોર્ટ ટર્મ રેવેન્યુ અને પ્રોફિટને વધારવા માટે ગેરરીતિ આચરવામાં આવી હતી.