ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૧૦૦ લાખ કરોડ ખર્ચ થશે : સીતારામન
નવીદિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી સીતારામને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં સરકારી ખર્ચને વધારી દેવા તથા અર્થવ્યવસ્થાને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવી દેવા માટે આગામી પાંચ વર્ષમાં ૧૦૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના બનાવી લીધી છે. પત્રકાર પરિષદમાં સીતારામને કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં ૧૦૦ લાખ કરોડ રૂપિયાના રોકાણની વાત પહેલાથી જ કરી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, તેના તરત બાદ જ માત્ર ચાર મહિનાના ગાળામાં જ ૭૦થી વધુ સ્ટેક હોલ્ડર્સ સાથે વાતચીત કર્યા બાદ ૧૦૨ લાખ કરોડ રૂપિયાની યોજનાની ઓળખ કરવામાં આવી છે.
ત્રણ લાખ કરોડ રૂપિયાની અન્ય યોજનાઓને પણ આની સાથે રાખવામાં આવી શકે છે. વર્ષના છેલ્લા દિવસે નાણામંત્રીએ કહ્યું હતું કે, ૨૦૧૯માં કરવામાં આવેલા કાર્યોને મિડિયા સમક્ષ રજૂ કરવામાં આવી ચુક્યા છે. મોદી સરકાર માટે આ વર્ષના રિપોર્ટકાર્ડને રજૂ કરતા કહ્યું હતુંકે, સરકાર પોતાના વચનોને પાળવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. સીતારામને કહ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ૧૦૦ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આના માટે રચવામાં આવેલી ટાસ્ક ફોર્સે ૧૦૨ લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ઓળખ કરી છે. પરિણામ પર પહોંચતા પહેલા ૭૦થી વધુ જુદા જુદા સ્ટેક હોલ્ડર્સ સાથે વાતચીત કરવામાં આવી હતી અને આ પ્રોજેક્ટોને ફાઇનલ કરવામાં આવ્યા છે.