ઇફકોના ૧૭પ કરોડના રોકાણથી કાર્યરત નેનો યુરિયા પ્લાન્ટ પ૦૦ મિ.લી ની રોજની ૧.પ લાખ બોટલનું ઉત્પાદન કરે છે
કલોલ ઇફકોના નેનો યુરિયા પ્લાન્ટની નિરીક્ષણ મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં જેનું ઉદઘાટન કર્યું છે તે કલોલ ઇફકોના નેનો યુરિયા પ્લાન્ટની આજે મુલાકાત લીઘી હતી.
કલોલમાં સ્થપાયેલો આ આધુનિક પ્લાન્ટ અત્યારે ૧.૫ લાખ બોટલનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. આગામી સમયમાં દેશમાં આવા ૮ વધુ પ્લાન્ટ પણ શરૂ કરીને યુરિયા પરની વિદેશી નિર્ભરતા ઘટાડવાની પ્રધાનમંત્રીશ્રીની નેમ છે.
ખાતરમાં આ નેનો ટેકનોલોજીમાં વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આત્મનિર્ભરતા તરફ જે પગલું ભર્યું છે તે કેટલું મહત્વનું છે તેની પ્રત્યક્ષ અનુભૂતિ મુખ્યમંત્રીશ્રીએ આ પ્લાન્ટની મુલાકાતથી કરી હતી.
રૂપિયા ૧૭૫ કરોડના રોકાણથી ઈફકો કલોલમાં કાર્યરત થયેલા આ પ્લાન્ટમાં ૫૦૦ મી.લી.ની ૧.૫ લાખ બોટલ પ્રતિદિન નેનો યુરિયાનું ઉત્પાદન થાય છે. મુખ્યમંત્રીશ્રીએ નેનો યુરિયાના સમગ્ર પ્લાન્ટની ગતિવિધિનું તેમજ કંટ્રોલ રૂમનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મહાત્મા મંદિર ગાંધીનગરમાં યોજાઇ રહેલી નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર્સના ઉદઘાટન સત્ર બાદ કોઇ જ પૂર્વનિર્ધારીત કાર્યક્રમ વિના અચાનક કલોલ ઇફકોના આ નેનો યુરિયા પ્લાન્ટની મુલાકાતે પહોચ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી સાથે આ પ્લાન્ટ મુલાકાતમાં મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, ગાંધીનગર કલેક્ટર કુલદિપ આર્ય તેમજ ઈફકો કલોલ પ્લાન્ટના વરિષ્ઠ ઈજનેરો જોડાયા હતા.