ઇમોશનલ બ્લેકમેઇલ કરી સાથે લઇ જઈ પ્રેમિકાની હત્યા કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/muder.jpeg)
Files Photo
અમીરગઢ: અમીરગઢના જુનીરોહના શખ્સે અમીરગઢ ખાતે તેની ત્રણ સંતાનોની માતાને તુ નહી આવે તો ટ્રેન નીચે કપાઇ જઇશ તેમ કહી ઇમોશનલ બ્લેકમેઇલ કરી સાથે લઇ જઈ તિક્ષ્ણ હથિયારના ઘા મારી કરપીણ હત્યા કરી ફરાર થઇ ગયો હતો. આ અંગેની જાણ થતાં પરિવારજનોએ સોમવારે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરાર થયેલા હત્યારાને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
અમીરગઢ ખાતે રહેતા કાનનાથ રાજતનાથ અને મીરાબેનની દીકરી ભગીબેનના લગ્ન ૧૮ વર્ષ અગાઉ રાજસ્થાનના સિરોહી જિલ્લાના રોહીડા તાલુકાના ભીમાણા ગામે નાથુનાથ છોટુનાથ નાથબાવા સાથે થયા હતા. જાેકે, નાથુનાથ દારૂ પી તેણીને ત્રાસ આપતો હોવાથી ભગીબેન ત્રણ વર્ષથી તેના ચાર બાળકો સાથે પિયર અમીરગઢમાં માતા- પિતા સાથે રહેતી હતી. તેણીને જુની રોહ ગામના નારણભાઇ ઉર્ફે નાગજીભાઇ હાલુજી રબારી સાથે પ્રેમ સબંધ હતો. તેની સાથે ટેલીફોનીક વાતચિત પણ કરતી હતી. અને અવાર-નવાર ઘરે મળવા પણ આવતો હતો.
દરમિયાન રવિવારે રાત્રે ૧૦.૩૦ કલાકે ભગીબેનના ઘરે આવ્યો હતો. અને જાે તુ મારી સાથે બહાર નહી આવે તો હું રેલવેના પાટે પડી મરી જઇશ. તેમ કહી ઇમોશનલી બ્લેકમેઇલ કરતા મહિલા સાથે ગઇ હતી. જાેકે, રાત્રિ દરમિયાન મહિલાની છરીવડે ૯ ઘા કરી હત્યા કરી દીધી હતી. બાદમાં મૃતદેહ ફેંકી દઇ નારણ રબારી ફરાર થઇ ગયો હતો. આ અંગેની વહેલી સવારે પરીવારજનોને જાણ થઇ હતી.
ભગીબેનના નાની બેન શારદાબેન હજારીનાથ નાથબાવાના લગ્ન ખેડા જીલ્લાના કપડવંજ ખાતે થયા છે. જે છેલ્લા પાંચ દિવસથી પિયર આવ્યા હતા. ઘટનાઘટી તે રાત્રે પોતાના બાળકો સાથે ઓસરીમાં સુતા હતા. ત્યારે રાત્રે સાડા દસ વાગ્યે નાગજી રબારી ત્યાં આવ્યો હતો. અને ડર બતાવી તેમની બહેનને સાથે લઇ ગયો હતો. જેની હત્યા કરી દેતાં શારદાબેને અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
અમીરગઢ એકલવ્ય શાળા નજીકથી પરિણીતાનો મૃતદેહ મળી આવતાં પરિવારજનો ત્યાં દોડી ગયા હતા. દરમિયાન અમીરગઢ પોલીસ ત્યાં આવી એફ. એસ. એલ. ટીમ સાથે વધુ તપાસ હાથ ધરી હતી. મૃતદેહ અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પી. એમ. અર્થે ખસેડાયો હતો. જ્યાં સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રીત થઇ ગયા હતા. પોલીસે ફરાર હત્યારાને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.