‘ઇમ્યુનિટી બૂસ્ટર’ને નામે તલના કચરિયાનું ધૂમ વેચાણ
અમદાવાદ, શિયાળાની શરૂઆત થતા જ લોકો આરોગ્ય પ્રત્યે સજાગ બને છે. એમાંય ખાસ કરીને આ વર્ષે કોરોનાના ડરથી લોકો પૌષ્ટિક આહાર, સૂકા મેવા અને વસાણા, શિયાળુ પાક) આરોગી પોતાના આરોગ્યની જાળવણી કરી રહ્યા છે. જેમાં કિંમતમાં સૌને પોષાય તેવા તલના કચરિયાની ખૂબ જ બોલબાલા જાેવા મળી રહી છે.
એમાંય અત્યારે ઇમ્યુનિટી બૂસ્ટરના નામે કાળા તલના કચરિયાનું ધૂમ વેચાણ થઇ રહ્યુ છે. ચાલુ વર્ષે મોંઘવારી અને કોરોનાની અસરને લઇ કચરિયામાં ૨૦ ટકાનો વધારો જાેવા મળે છે. જેમાં ગયા વર્ષે સાદા કચરિયાનો ભાવ રૂ.૧૫૦થી રૂ.૧૭૦ હતો. જે વધીને અત્યારે કચરિયું પ્રતિકિલો રૂપિયા ૧૮૦થી ૩૨૦ના ભાવે વેચાય છે.
શિયાળામાં ખાસ કરીને તલ ખૂબ જ ઉપયોગી હોવાથી તેને બોલબાલા વધારે રહે છે. તલનું તેલ તથા કચરિયુ લોકોમાં ભારે માગ ઉત્પન્ન કરે છે. પહેલાના જમાનામાં દેશી પદ્ધતિથી બળદને આંકે પાટા બાંધી ઘાણીમાં જાેડીને ઘાણી તૈયાર કરી કચરિયું બનાવવામાં આવતુ હતું. જેમાં ઘાણીની ફરતે બળદો ફરતા હતા અને કચરિયાને પીસીને તૈયાર કરાતુ હતુ. પરંતુ હવે તેને સ્થાન મોટર બાઇકે લીધુ છે હવે ઘાણીનું યાંત્રિક સ્વરૂપ જાેવા મળી રહ્યું છે. જેમાં મશીનો દ્વારા કચરિયું તૈયાર કરવામાં આવે છે.
અગાઉ માત્ર બે પ્રકારનું કચરિયું બજારમાં વેચાતુ હતુ. પરંતુ વર્તમાન સમયમાં સ્વાદના શોખીનોને ધ્યાનમાં રાખીને વેપારીઓ ૧૬ પ્રકારના કચરિયા વેચી રહ્યા છે. બજારમાં સાદુ, સૂંઠ-ગંઠોડાવાળુ, ઓછા ગોળ અને સૂંઠ-ગંઠોડાવાળુ, ડ્રાયફ્રૂટ સ્પેશિયલ કચરિંયુ, કેસર બદામવાળુ, ચોકલેટ વિટાવાળુ, ડાયાબિટીસ સ્પેશિયલ, કાજુ બદામ, કોપરાનું, ઇલાયચીવાળુ, કાળા તલનું આમ બજારમાં અલગ અલગ પ્રકારનું કચરિયુ વેચાઇ રહ્યુ છે. કચરિયુ અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં પણ વેચાણ કરવામાં આવે છે.