ઇરાની સૈનિકો અને તાલિબાનીઓ વચ્ચે હિંસક લડાઈ થઇ

તહેરાન, અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે. ત્યાં હવે આતંકી હુમલા સામાન્ય વાત બની ગઈ છે. આ દરમ્યાન ઇરાનના સૈનિકો અને તાલિબાનીઓ વચ્ચે અફઘાનિસ્તાન-ઇરાનની સીમા પર હિંસક અથડામણ થયાના અહેવાલો છે. ગલ્ફ ન્યુઝે આપેલી જાણકારી મુજબ, આ હિંસક ઝડપમાં કોઈના મૃત્યુના સમાચાર સામે નથી આવ્યા. આ લડાઈ બાદ એવું કહેવામાં આવ્યું છે કે આવું કોઈ ‘ગેરસમજ’ને લીધે થયું છે.
આ ઘટનાના વિડીયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે જેમાં તાલિબાની લડાકૂઓ હાથમાં હથિયાર સાથે જાેવા મળી રહ્યા છે. તેમની વચ્ચે ગોળીબાર પણ થઇ રહ્યો છે. તાલિબાનીઓને જવાબ દેતાં ઇરાન તરફથી ગોળા છોડવામાં આવ્યા હતા. ઇરાનની ન્યુઝ એજન્સી તસનીમે પુષ્ટિ કરતાં જણાવ્યું કે આ લડાઈ હિરમંદ કાઉન્ટીના શાઘાલક ગામમાં થઇ છે.
ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સથી જાેડાયેલી તસનીમ એજન્સીએ કહ્યું કે તસ્કરીનો સામનો કરવા માટે અફઘાનિસ્તાનને અડીને આવેલી સીમા પાસેના ઇરાની ક્ષેત્રમાં દીવાલો ઊભી કરવામાં આવી છે. રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેટલાંક ઇરાની ખેડૂતોએ દીવાલો લાંઘી હતી પણ તેઓ ઇરાની સીમાની અંદર જ હતા.
પરંતુ તાલિબાનીઓને થયું કે ખેડૂતો તેમના વિસ્તારમાં આવી ગયા છે, જેથી તેમણે ગોળીબારી શરુ કરી નાખી હતી. ઇરાનના અધિકારીઓએ આ મામલે તાલિબાન સાથે વાતચીત કરી છે અને ત્યારબાદ લડાઈનો અંત આવી ગયો.
બાદમાં બુધવારે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા સઈદ ખતીબઝાદેહે તાલિબાનનું નામ લીધા વિના એક નિવેદનમાં કહ્યું કે, ‘સરહદ વિસ્તારોમાં રહેતા લોકોમાં ગેરસમજણ’ને કારણે લડાઈ થઈ હતી. એક વિડિયો કથિત રીતે તાલિબાન દળોને ઈરાનના પ્રદેશની અંદર બતાવે છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તાલિબાન લડાકૂઓએ ઘણી ચોકીઓ કબજે કરી લીધી છે. જાેકે, તસ્નીમે આ દાવાને ફગાવી દીધો છે.
ઈરાન તરફથી કહેવામાં આવ્યું છે કે સરહદી વિસ્તારના વીડિયોમાં લડાઈના પ્રારંભિક ભાગ દેખાઈ રહ્યા છે અને હવે દેશની સરહદ પર સુરક્ષા દળોનું સંપૂર્ણ નિયંત્રણ છે.ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ સાથે સંકળાયેલ અન્ય એક ન્યૂઝ વેબસાઈટે કહ્યું કે લડાઈને કારણે કોઈનું મૃત્યુ થયું નથી અને અહીં સંપૂર્ણ શાંતિ છે.
સિસ્તાન અને બલૂચિસ્તાનના ગવર્નરના સુરક્ષા ડેપ્યુટી મોહમ્મદ મરાશીએ ઈરાની સરકારી ટેલિવિઝનને જણાવ્યું કે અથડામણ ગંભીર ન હતી, કર્મચારીઓ અથવા સંપત્તિને કોઈ નુકસાન થયું નથી. વિદેશી દળોની હકાલપટ્ટી બાદ તાલિબાને ઓગસ્ટમાં અફઘાનિસ્તાન પર કબજાે મેળવ્યો હતો. ઈરાને તાલિબાન સરકારને સત્તાવાર રીતે માન્યતા આપી નથી.HS