ઇરાન અને ઇટાલીથી ૪૫૦ ભારતીયોને સુરક્ષિત લવાયા
નવી દિલ્હી: કોરોના વાયરસના સંકટ વચ્ચે વિદેશમાં ફસાયેલા ભારતીય લોકો માટે મોદી સરકાર ફરી એકવાર સંકટ મોચક બનીને સામે આવી છે. આજે વિદેશ મંત્રાલયના પ્રયાસો બાદ ઇરાન અને ઇટાલીમાં ફસાયેલા આશરે ૪૫૦ લોકોને ભારત લાવવામાં આવી ચુક્યા છે. આમા ઇરાનમાંથી ૨૩૪ અને ઇટાલીમાં ૨૧૮ યાત્રીઓને લાવવામાં આવી ચુક્યા છે. કેન્દ્રીય મંત્રી મુરલીધરને આજે કહ્યું હતું કે, જ્યાં પણ ભારતીય લોકો ફસાયેલા છે તે તમામ ભારતીયોને મુશ્કેલમાંથી બહાર કાઢવા માટે સરકાર સંપૂર્ણપણે કટીબદ્ધ છે. ઇટાલી અને ઇરાનમાંથી ભારતીયોને લાવવામાં આવ્યા છે. આ પહેલા ચીનના વુહાનમાંથી પણ ભારતીયોને સુરક્ષિત રીતે લાવવામાં આવ્યા હતા. ઇરાનમાંથી ૨૩૪ લોકો આજે સવારે એર ઈન્ડિયાની બે ફ્લાઇટોથી જેસલમેર પહોંચ્યા હતા.
વિદેશમંત્રી જયશંકરે કહ્યું હતું કે, આ ટુકડીમાં ૧૩૧ વિદ્યાર્થી અને ૧૦૩ શ્રદ્ધાળુ યાત્રી છે. ઇરાનથી વિમાન દિલ્હી પહોંચ્યા બાદ અહીંથી વિમાનને જેસલમેર રવાના કરવામાં આવ્યું હતું. આર્મીના આઈસોલેશન વોર્ડમાં તમામ આવનારની ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારબાદ જેસલમેરના ક્વેરટાઈનમાં રાખવામાં આવી રહ્યા છે. મોદી સરકાર ઉલ્લેખનીય કામગીરી અદા કરી રહી છે.
શુક્રવારના દિવસે ૪૪ યાત્રીઓને ઇરાનથી ભારત લાવવામાં આવ્યા હતા. ઇરાનમાંથી જ ૫૮ યાત્રીઓનો પ્રથમ જથ્થો મંગળવારના દિવસે પહોંચ્યો હતો. ઇરાનમાં મોતનો આંકડો રેકોર્ડ ગતિએ વધી રહ્યો છે. ૧૩૦૦૦થી પણ વધુ લોકો કોરોનાના સંકજામાં આવી ચુક્યા છે. પશ્ચિમ એશિયામાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત દેશોમાં ઇરાન સૌથી આગળ રહ્યું છે. એકલા ઇરાનમાં ૬૧૧ લોકોના મોત કોરોના વાયરસથી થઇ ચુક્યા છે. કેન્દ્રીયમંત્રી મુરલીધરને કહ્યું છે કે, કોરોના વાયરસના સંકટ વચ્ચે ૨૧૮ યાત્રીઓ ઇટાલીના મિલાનથી પહોંચ્યા છે.