ઇલેક્ટ્રિક શૉક લાગવાથી તેમણે એક હાથ ગુમાવ્યો છતાં પડકારો ઝીલી બહાર આવ્યા
જેવલીન થ્રોઅરમાં પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા દેવેન્દ્ર ઝાઝરિયા સાથે પ્રધાનમંત્રીનો વાર્તાલાપ
પ્રધાનમંત્રીએ વિવિધ વર્લ્ડ પેરાલિમ્પિક કાર્યક્રમોમાં ભારતની કિર્તી અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરવા બદલ શ્રી દેવેન્દ્ર ઝાઝરિયાની ખૂબ પ્રશંસા કરી હતી. તેઓ કેવી રીતે પોતાના જીવનમાં આવેલા પડકારોમાંથી બહાર આવ્યા અને વિશ્વ વિખ્યાત એથલેટ બન્યા તે અંગે પ્રધાનમંત્રીએ તેમને પૂછપરછ કરી હતી.
દેવેન્દ્ર ઝાઝરિયાએ જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિક શૉક લાગવાથી તેમણે એક હાથ ગુમાવ્યો ત્યારબાદ તેમના જીવનમાં કપરો સમય શરૂ થયો હતો. તેમણે કેવી રીતે એક સામાન્ય બાળક તરીકે વર્તન કરવું અને ફિટનેસ માટે કામ કરવું તે અંગે તેમની માતા પાસેથી મળેલી પ્રેરણા અંગે વિગતે વાત કરી હતી.
તાજેતરમાં તેમને ખભામાં થયેલી ઇજાનો તેમણે કેવી રીતે સામનો કર્યો અને કેવી રીતે રમતમાંથી નિવૃત્ત થવાના તેમના વિચારમાંથી કેવી રીતે બહાર આવ્યા તે અંગે પ્રધાનમંત્રીએ કરેલા પ્રશ્નના જવાબમાં દેવેન્દ્ર ઝાઝરિયાએ જણાવ્યું હતું કે, માનસિક અને શારીરિક પડકારોમાંથી બહાર આવવા માટે કોઈપણ વ્યક્તિએ સૌથી પહેલા તો પોતાની જાત પર ભરોસો કરવો પડે છે.
તેમણે કેટલીક શારીરિક કસરતો બતાવી હતી અને તેમણે ઇજાના સમય દરમિયાન ફિટનેસ માટે જે નિયમોનું પાલન કર્યું હતું તેના વિશે ચર્ચા કરી હતી. આવું પ્રેરણાદાયક કામ કરવા બદલ પ્રધાનમંત્રીએ આ પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતાની પ્રશંસા કરી હતી અને તેમની માતાએ 80 વર્ષની ઉંમરે પણ પોતાની શારીરિક તંદુરસ્તી જાળવી રાખી છે તે બદલ તેમના વખાણ કર્યા હતા.