ઇલેક્ટ્રોથર્મ કાંડ : હાઈકોર્ટનો હુકમ સ્થગિત
અમદાવાદ: ઇલેકટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડના કરોડો રૂપિયાના કૌભાંડમાં આરોપી એમડી શૈલેષ ભંવરલાલ ભંડારી, અશોક ભંડારી તેમજ વિવેક ભંડારી અને વેસ્ટર્ન ઇન્ડિયા સ્પેશ્યાલિટી હોસ્પિટલ લિ.ના ડાયરેકટર નાગેશ ભંવરલાલ ભંડારીની ધરપકડ સામે રક્ષણ આપતાં ગુજરાત હાઇકોર્ટના ચુકાદા સામે ઇલેકટ્રોથર્મ ઇન્ડિયા લિ.ના ફાઉન્ડર અને ચેરમેન મુકેશ ભંડારી અને ઇલેક્ટ્રોથર્મના ભૂતપૂર્વ ડાયરેકટર સિધ્ધાર્થ ભંડારી તરફથી સુપ્રીમકોર્ટમાં સ્પેશ્યલ લીવ પિટિશન દાખલ કરી સમગ્ર કેસની સંવેદનશીલ હકીકતો પરત્વે સુપ્રીમકોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
જેને ધ્યાનમાં લીધા બાદ સુપ્રીમકોર્ટના જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એમ.આર.શાહની ખંડપીઠે શૈલેષ ભંડારી સહિતના આરોપીઓને ધરપકડ સામે રક્ષણ આપતાં ગુજરાત હાઇકોર્ટના હુકમને સ્થગિત કરી દીધો હતો. સુપ્રીમકોર્ટે ચકચારભર્યા આ કેસમાં આરોપી એમડી શૈલેષ ભંવરલાલ ભંડારી, અશોક ભંડારી, વિવેક ભંડારી અને વેસ્ટર્ન ઇન્ડિયા સ્પેશ્યાલિટી હોસ્પિટલ લિ.ના ડાયરેકટર નાગેશ ભંવરલાલ ભંડારી અને રાજય સરકાર સામે નોટિસ પણ જારી કરી હતી અને કેસની વધુ સુનાવણી તા.૨૭મી જાન્યુઆરીએ મુકરર કરી હતી.
સુપ્રીમકોર્ટના આ ખૂબ જ મહત્વના આદેશને પગલે હવે આ ચકચારભર્યા કૌભાંડમાં તપાસનીશ એજન્સી સીઆઇડી ક્રાઇમ માટે આરોપીઓની ધરપકડનો માર્ગ મોકળો થયો છે. બીજીબાજુ, સુપ્રીમકોર્ટના આ હુકમથી ફફડી ગયેલા આરોપી એમડી શૈલેષ ભંવરલાલ ભંડારી, વિવેક ભંડારી અને વેસ્ટર્ન ઇન્ડિયા સ્પેશ્યાલિટી હોસ્પિટલ લિ.ના ડાયરેકટર નાગેશ ભંવરલાલ ભંડારી તરફથી તાત્કાલિક સુપ્રીમકોર્ટમાં અરજી કરી તેમની ધરપકડ સામે રક્ષણ આપતાં ગુજરાત હાઇકોર્ટના હુકમને સ્થગિત કરતાં હુકમને રદ કરવા માંગણી કરી હતી.