ઇલેક્ટ્રોસ્ટેટિક ડીસ્ઇન્ફેક્શન ટેકનોલોજીને વ્યાવસાયિક ધોરણે વિકસાવવાનો નિર્ણય
PIB Ahmedabad ચંદીગઢ ખાતે આવેલા CSIR- કેન્દ્રીય વૈજ્ઞાનિક ઇન્સ્ટ્રુમેન્ટ સંગઠન (CSIR-CSIO) દ્વારા કોરોના મહામારી સામે લડવા માટે અસરકારક ડિસઇન્ફેક્શન અને સફાઇ માટે નવીનતમ ટેકનોલોજી ડિઝાઇન કરીને વિકસાવવામાં આવી છે. CSIR-CSIOએ હવે આ ટેકનોલોજીનું વ્યાપારિકરણ કરીને મોટાપાયે ઉત્પાદન કરવા માટે નાગપુર ખાતે આવેલી રાઇટ વોટર સોલ્યૂશન્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને સોંપી છે. CSIR-CSIOના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, આ ટેકનોલોજી કોરોના વાયરસ અને અન્ય રોગવાહકોનો નાશ કરવામાં ઘણી કાર્યદક્ષ અને અસરકારક જોવા મળી છે.
ઇલેક્ટ્રોસ્ટેટિક ડિસઇન્ફેક્શન મશીન મૂળરૂપે ઇલેક્ટ્રોસ્ટેટિકના સિદ્ધાંત પરથી તૈયાર કરવામાં આવ્યું છે. તે ડિસઇન્ફેક્ટન્ટના 10-20 માઇક્રોન કદના એકસમાન અને સુક્ષ્મ ડ્રોપલેટ્સ ઉત્પન્ન કરીને સુક્ષ્મ જીવાણુંઓ અને વાયરસનો નાશ કરે છે. ખૂબ નાના કદના ડ્રોપલેટ્સ હોવાથી, વધુ સપાટી વિસ્તારમાં આ ડ્રોપલેટ્સનો છંટકાવ થાય છે અને તેના કારણે હાનિકારક સુક્ષ્મ જીવાણુંઓ તેમજ કોરોના વાયરસ સાથે તેનો સંપર્ક વધે છે. અન્ય પરંપરાગત પદ્ધતિઓની તુલનાએ આ મશીનમાં ખૂબ ઓછી માત્રામાં ડિસઇન્ફેક્શન સામગ્રીનો ઉપયોગ થાય છે જેથી પર્યાવરણમાં રાસાયણિક કચરો ખૂબ જ ઓછા પ્રમાણમાં ફેલાતો હોવાથી પ્રાકૃતિક સ્રોતોની જાળવણીમાં પણ તે મદદરૂપ થાય છે.
વરિષ્ઠ વૈજ્ઞાનિક અને આ ટેકનોલોજીના ઇનોવેટર ડૉ. મનોજ કે. પટેલે જણાવ્યું હતું કે, “આ ડિસઇન્ફેક્શન મશીનમાંથી નીકળેલા ચાર્જ્ડ ડ્રોપલેટ્સ સીધા જ ખુલ્લી અને અસ્પષ્ટ સપાટીઓને વધુ કાર્યદક્ષતા તેમજ કાર્યક્ષમતા સાથે એકસમાન રીતે આવરી લે છે અને ડિસઇન્ફેક્ટન્ટ કોઇપણ છુપાયેલા ખૂણા અને જગ્યાઓ સુધી પણ પહોંચી જાય છે. આથી, તે રોગવાહક જીવાણુંઓનો ખૂબ અસરકારક રીતે નાશ કરે છે અથવા તેને નિષ્ક્રિય કરે છે.”
આ ટેકનોલોજી ટ્રાન્સફર કરવાના કરાર પર રાઇટ વોટર સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર અભિજીત ગાન અને CSIR-CSIO, ચંદીગઢના બિઝનેસ ઇનિશિએટિવ્સ અને પ્રોજેક્ટ પ્લાનિંગના વડા ડૉ. સુરેન્દરસિંહ સૈનીએ હસ્તાક્ષર કર્યા છે. આ ટેકનોલોજી સોંપવાનો કાર્યક્રમ બંને પક્ષે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયો હતો. CSIR-CSIOના નિદેશક ડૉ. સંજયકુમાર અને અન્ય વિભાગીય વડા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
CSIR-CSIO, ચંદીગઢના નિદેશકે જણાવ્યું હતું કે, “અમે ખાસ કરીને હોસ્પિટલો, પોલ્ટ્રી, ટ્રેન અને બસો, હવાઇમથકો અને વિમાન, ઓફિસો, વર્ગખંડો અને હોટેલો સહિત વિવિધ જાહેર સ્થળોના ડિસઇન્ફેક્શન અને સફાઇ માટે ઇલેક્ટ્રોસ્ટેટિક છંટકાવની નવીનતમ પરિકલ્પના સાથે આ ટેકનોલોજી લાવ્યા છીએ. તે મોટી સંખ્યામાં લોકોને આરોગ્યપ્રદ જીવનશૈલી અને આરોગ્ય સંભાળમાં યોગદાન આપે છે અને તે સીધી જ ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન સાથે જોડાયેલી છે.”
ડૉ. સુરેન્દરસિંહ સૈની (ઇન્ડિયા સાયન્ય વાયર) એ જણાવ્યું હતું કે, “ઇલેક્ટ્રોસ્ટેટિક છંટકાવની વિવિધ ટેકનોલોજી પહેલાંથી જ અસ્તિત્વમાં છે જેનો ઉપયોગ વિવિધ ઔદ્યોગિક અને સામાજિક હેતુ જેમ કે, ઇલેક્ટ્રોસ્ટેટિક પેસ્ટિસાઇડ સ્પ્રેયર, ઇલેક્ટ્રોસ્ટેટિક ડસ્ટ મિટિગેશન અને પર્યાવરણ સુરક્ષા ઉપકરણ વગેરેમાં થાય છે.”