ઇસનપુરમાં ખોદકામ વેળા ભેદી ધડાકો થતા બેનાં મોત
મજૂરોએ જમીનમાં ત્રિકમ મારતા પ્રચંડ વિસ્ફોટ- બે મજૂરોના મોત નિપજતાં વિસ્તારમાં ભારે ચકચાર
અમદાવાદ, અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલા સહયોગ એસ્ટેટના ગોડાઉન નજીક ખાલી જગ્યામાં ખોદકામ દરમિયાન ભેદી વિસ્ફોટ થવાને કારણે બે મજૂરોના મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ અને જારદાર હતો કે, બંને મજૂરોના ફુરચા ઉડી ગયા હતા. બીજીબાજુ, જમીનમાં ખોદકામ દરમ્યાન બ્લાસ્ટ કયા કારણે થયો તે વાતને લઇ ભારે કૌતુક અને રહસ્ય સર્જાતાં પોલીસ, સ્થાનિક સત્તાવાળાઓ અને એફએસએલ દોડતા થયા હતા અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
બીજીબાજુ, આશિષ પારગી અને કાળું ડામોર નામના બે મજૂરોના મોત નીપજવાની ઘટનાને લઇ સ્થાનિક મજૂરઆલમમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના ઇસનપુરમાં આવેલા સહયોગ એસ્ટેટના ગોડાઉન નજીકની ખાલી જગ્યામાં ખોદકામ ચાલી રહ્યું હતું. આ ખોદકામમાં બે મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે જમીનમાં ત્રિકમ મારતા ભેદી વિસ્ફોટ થયો હતો. આ ભેદી બ્લાસ્ટમાં બંને મજૂરોના મોત નિપજ્યા હતા.
આ બ્લાસ્ટનું કારણ જાણવા એફએસએલ, બામ્બ સ્કવોડ, ડોગસ્કવોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બે માસ પહેલા પણ આ જ સ્થળ પર બ્લાસ્ટ થયો હતો, પરંતુ તે સમયે કોઈએ પોલીસે જાણ કરી નહોતી. આ ભેદી બ્લાસ્ટનું કારણ જાણવા જેસીબીથી ખોદકામ કરાયુ હતુ અને ઝીણવટભરી તપાસ હાથ ધરાઇ હતી. કારણ કે, બ્લાસ્ટ એટલો જારદાર અને તેની તીવ્રતા એટલી ભયાનક હતી કે, બંને મજૂરોના ઘટનાસ્થળે જ મોત નીપજયા હતા.
સ્થાનિક લોકોમાં પણ ઘટનાને લઇ થોડા ડર અને ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. પરંતુ આ પ્રકારે જમીનમાંથી બ્લાસ્ટ થયો હોઇ સ્થાનિક અને સત્તાવાળાઓમાં એવી પણ ચર્ચાએ જાર પકડયું હતું કે, ખાળકૂવાવાળી આ જમીન હોઇ તેમાં ગેસના કારણે આ પ્રચંડ વિસ્ફોટ થયો હોઇ શકે. જા કે, સત્તાવાળાઓ મામલાની ખરાઇ કરી રહ્યા છે.