ઇસનપુરમાં ભૂ માફિયાઓ બેફામ બન્યા
ઇસનપુર વિસ્તારમાં હાઇવે સર્વિસ રોડ પર આશાપુરી સ્ટીલ ફર્નિચરની બાજુમાં અંદાજે 500 વારના પ્લોટમાં મંજૂરી વિના બાંધકામ થઈ રહ્યું છે.
વોર્ડ અધિકારીઓ ઘ્વારા સદર બાંધકામને બે વખત સીલ કરવામાં આવ્યું છે. તેમજ સીલ તોડીને બાંધકામ કરવા બદલ પોલીસ સ્ટેશનમાં 188 અંતર્ગત ફરિયાદ કરવામાં આવી છે તેમ છતાં બેરોકટોક બાંધકામ ચાલી રહ્યું છે. આ બાંધકામ ન તોડવા માટે સ્થાનિક કોર્પોરેટરનું દબાણ હોવાની ચર્ચા ચાલી રહી છે.
ઇસનપુર સ્મશાન પાસે આવેલી જયકૃષ્ણ સોસાયટી માં પણ રહેણાંક મિલ્કતમાં કોમર્શિયલ બાંધકામ થઈ રહ્યું છે. જયારે આનંદવાડી વિસ્તારમાં ડો.સૌરીન ઉપાધ્યાયે બી.યુ. મળ્યા બાદ અનેક ફેરફાર કર્યો છે.
હોસ્પિટલ બિલ્ડીંગના પાર્કિંગમાં અને પાછળની તરફ માર્જિનમાં દબાણ કરવામાં આવ્યું છે. જયારે ટેરેસ ઉપર પણ શેડ બાંધવામાં આવ્યા છે. તેમ છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહયા છે. ચોંકાવનારી બાબત એ છે કે આ બને બાંધકામ વૉર્ડ ઓફિસની બિલકુલ નજીક છે.અત્રે નોંધનીય બાબત એ છે કે ઇસનપુર વિસ્તાર ની જયકૃષ્ણ સોસાયટીના રહેણાંક મકાનોમાં અનેક કોમર્શીયલ પ્રકારના બાંધકામ થઈ ગયા છે.
તેમજ ઇમપેક્ટમાં યેનકેન પ્રકારે પાર્કિંગ અરજીઓ મંજુર થઈ છે. તેવી જ રીતે આશા સોસાયટીમાં પણ ડો.બકુલેશ માધુની હોસ્પિટલ ચાલી રહી છે.
જેમાં ઝીરો માર્જિન અને પાર્કિંગ હોવા છતાં અધિકારીઓ કોઈ જ કાર્યવાહી કરતા નથી. ઇસનપુર વોર્ડમાં સરકારશ્રીની જમીન પર 250 કરતા વધુ દૂકાનો બની ગઈ છે. જેને તોડવા માટે ત્રણ વર્ષ પહેલા નોટિસ આપવામાં આવી હતી.પરંતુ વ્યવહાર થઈ ગયો હોવાથી આગળ કાર્યવાહી થઈ નથી તેવા આક્ષેપો ખુલ્લેઆમ થઈ રહયા છે