ઇસનપુર : કિશોરે બેફામ કાર હંકારી વાહનોને મારેલી ટક્કર
અમદાવાદ : અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં એક કિશોરે આજે સવારે જીજે ૨૭ કે ૫૮૮૩ નંબરની સ્વીફ્ટ ડિઝાયર કાર બેફામ અને ગફલતભરી રીતે હંકારી આજે દસથી પંદર વાહનોને અડફેટે લીધા હતા અને બહુ ગંભીર અકસ્માત સર્જયો હતો. જા કે, સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાનિ નોંધાઇ ન હતી
પરંતુ ત્રણથી વધુ વ્યકતિને ઇજા પહોંચી હતી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ ઘટનામાં ચોંકાવનારી વાત એ સામે આવી હતી કે, કિશોરની ઉમંર માત્ર ૧૩ વર્ષની જ છે અને તેણે બેફામ રીતે કાર હંકારી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવતો અકસ્માત સર્જયો હતો.
ઘટનાની જાણ થતાં ઇસનપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને કિશોરને લઇ પોલીસ મથકે પહોંચી હતી અને આકરી પૂછપરછ કરી હતી. પોલીસે કિશોરના વાલીને પણ બોલાવી પૂછપરછ કરી હતી અને આ સમગ્ર પ્રકરણમાં ઇસનપુર પોલીસે જરૂરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ઇસનપુર વિસ્તારમાં આજે સવારે ઇસનપુરથી ઘોડાસર જતાં માર્ગ પર એક ૧૩ વર્ષનો કિશોર જીજે ૨૭ કે ૫૮૮૩ નંબરની સ્વીફટ ડિઝાયર કાર લઇને નીકળ્યો હતો
પરંતુ મુખ્ય માર્ગ પર જ કિશોરે પોતાની કાર પરનો કાબૂ ગુમાવતાં બેફામ રીતે હંકારી દસથી પંદર વાહનોને જારદાર રીતે અડફેટે લીધા હતા. બહુ ગંભીર આ અક્સ્માતમાં કિશોરની કારનો આગળનો ભાગ ભુક્કો બોલી ગયો હતો. તો, અન્ય વાહનોને પણ વત્તા ઓછા પ્રમાણમાં નુકસાન થયુ હતુ. જા કે, આ અકસ્માતમાં સૌથી રાહતની વાત એ હતી કે, કોઇને જાનહાનિ થઇ ન હતી, પરંતુ ત્રણથી વધુને ઇજા પહોંચી હતી.
અકસ્માતને લઇ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. ખાસ કરીને સ્થાનિક લોકોએ કિશોરને ઝડપીને ઇસનપુર પોલીસે સોંપ્યો હતો. ઇસનપુર પોલીસે કિશોરની પૂછપરછ કરી તેના વાલીને પણ પોલીસમથકે બોલાવ્યા હતા અને સમગ્ર મામલે કિશોરને કેવી રીતે કાર ચલાવવા આપી દીધી અને તેની પાસે લાઇસન્સ નહી હોવાછતાં કાર ચલાવવા કેમ આપી તે સહિતના મુદ્દે હવે તપાસનો દોર આગળ ધપાવવા સાથે પોલીસે જરૂરી ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.