ઇસનપુર ડી.એમ. પ્રાઇડમાં એકજ પરિવારના 6 સભ્યો કોરોના પોઝિટિવ
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી પણ સંક્રમિત થયા
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે.તેમજ દૈનિક કેસની સંખ્યા પણ સતત વધી રહી છે. અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસો ઘટી વધી રહ્યાં છે, પરંતુ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા રવિવારે વધુ 14 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા શરૂ કરવામાં આવેલા એન્ટીજન ટેસ્ટમાં કોન્ટેક્ટ ટ્રેસીંગ પણ થઈ રહ્યા હોવાથી એકજ પરિવાર કે સોસાયટીના સભ્યો પોઝિટિવ હોય તેવા કિસ્સા વધી રહ્યા છે. શહેરના ઇસનપુર અને મણિનગર વિસ્તારમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે. ઇસનપુર વિસ્તારમાં આવેલી એક સોસાયટી માં કોરોનાના 07 કેસ કન્ફર્મ થયા છે.જેમાં એક જ પરિવારના 06 સભ્યો હોવાની વિગત બહાર આવી છે.
ઇસનપુર વિસ્તારમાં કોરોના વિસ્ફોટ થઈ રહ્યો છે. ઇસનપુર હાઇવે થી વટવા તરફ જવાના રોડ પર આવેલા ડી.એમ. પ્રાઇડમાં કોરોનાના 07 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જેમાં એક જ પરિવારના 06 સભ્યોનો સમાવેશ થાય છે. તેમજ આઇ. સી. સી. ડેલીગેટ અને કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી રાજેશ સોની પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. તમામ 07 દર્દીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. જયારે મ્યુનિસિપલ કોર્પોરેશને બિલ્ડીંગનો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કર્યો છે.
અત્રે નોંધનીય છે કે આ પહેલા ઇસનપુર વારાહી માતા મંદિર પાસે આવેલી આશા સોસાયટીમાં કોરોનાના 21 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. આશા સોસાયટીમાં 27 જુલાઈએ 07 પોઝિટિવ કેસ કન્ફર્મ થયા હતા.
ત્યારબાદ બુધવાર 29 જુલાઈએ સોસાયટીના અન્ય રહીશોમાં પણ લક્ષણ જણાતા એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં વધુ 14 કેસ કન્ફર્મ થયા છે. આમ, આશા સોસાયટીમાં બે જ દિવસમાં કોરોનાના કુલ 21 કેસ કન્ફર્મ થયા છે. સોસાયટી ના 21 દર્દીઓ પૈકી 19 ને હોમ આઇશોલેટ કરવામાં આવ્યા છે. જયારે 02 દર્દીને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મણિનગર વિસ્તારમાં ઈશ્વરનગર પાસે આવેલ શિવમ એપાર્ટમેન્ટ માં પણ એક જ પરિવારના ચાર સભ્યો કોરોના પોઝિટિવ જાહેર થયા હતા.ગત મે અને જૂન મહિનામાં વિશાલનગર અને સતાધાર સોસાયટીમાં મોટાપ્રમાણમાં કોરોનાના પોઝિટિવ કેસ મળી આવ્યા હતા.
જયારે જુલાઈ મહિનામાં અનન્ય સોસાયટી, ઘનશ્યામ પાર્ક, સત્યપથ અને જનપથ સોસાયટીમાંથી કેસ કન્ફર્મ થયા હતા.જયારે ઇસનપુર – વટવા રોડ પર આવેલી પ્રેરણા સોસાયટી માં પણ 25 જેટલા કેસ નોંધાયા હતા.
જે પૈકી એક દર્દીનું મૃત્યુ થયું છે. અગાઉ શહેરના CTM વિસ્તારના એક ફ્લેટમાંથી ૧૦ કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ ઇસનપુર વિસ્તારની એક સોસાયટીમાં એક જ પરિવારના સાત સભ્યો પોઝિટિવ આવ્યા હતા. જયારે લાંભા વોર્ડમાં 10 અને 11 જુલાઈ એમ સતત બે દિવસ બે અલગ અલગ સોસાયટીના બે પરિવારમાં પણ કોરોનાના 0૬-0૬ પોઝિટિવ જાહેર થયા હતા. 20 જુલાઈએ વધુ એક સોસાયટીમાં 07 કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો.
જુલાઈ મહિનામાં લાંભા વોર્ડમાં કોરોનાનો આતંક જોવા મળ્યો છે. 20 જુલાઈએ એન્ટીજન ટેસ્ટ દરમ્યાન સત્વ 2 માં 07 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા.આ પહેલા આ વિસ્તારમાં આવેલ મર્લિન સ્પર્શ નામની સોસાયટીમાં 07 કેસ કન્ફર્મ થયા હતા.
જયારે 11 જુલાઈએ એન્ટીજન ટેસ્ટ દરમિયાન કર્ણાવતી સોસાયટી રહેતા એક જ પરિવારના 06 સભ્યો કોરોના સંક્રમિત હોવાની વિગત બહાર આવી હતી.. પરિવારના એક સભ્યનો ત્રણ દિવસ પહેલા પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. જેના પગલે અન્ય પાંચ સભ્યોના ટેસ્ટ કરવામાં આવતા તમામ સભ્યો પોઝીટીવ કન્ફર્મ થયા હતા. આમ, એક જ પરિવારના ૦૬ સભ્યો કોરોનાની ઝપટમાં આવી ગયા હતા.
તેવી જ રીતે 10 જુલાઈએ પણ એન્ટીજન ટેસ્ટિંગ દરમ્યાન પૂજા રેસિડેન્સીમાં એક જ પરિવાર ના 06 સભ્યો પોઝીટીવ કન્ફર્મ થયા હતા.લાંભા વોર્ડમાં શ્રીનાથ હાઈટ્સમાં કોરોનાના દસ તેમજ નીલકંઠ એપાર્ટમેન્ટમાંથી 02 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. જયારે શાહવાડી વિસ્તારમાં આવેલા આંબેડકરનગરમાં 13 કેસ કન્ફર્મ થયા હતા. જયારે કર્ણાવતી -4 માં પણ 10 જેટલા કેસ નોંધાયા હોવાનું સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.