ઇસનપુર સમ્રાટનગરમાં કોરોનાના નવા 28 કેસ : 732 લોકોના ટેસ્ટ કર્યાં
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા મંગળવારે ઇસનપુર વિસ્તારમાં આવેલા સમ્રાટનગર ના એક હજાર કરતા વધુ મકાનોને માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં મૂકવામાં આવ્યા હતા.જેના કારણે ભારે વિવાદ પણ થયો હતો. મ્યુનિસિપલ આરોગ્ય વિભાગની ટીમે બુધવારે મોટાપાયે ટેસ્ટિંગ કર્યા હતા.જેમાં 25 કરતા વધુ પોઝીટીવ કેસ મળી આવતા મનપાનો નિર્ણય યોગ્ય હોવાની ચર્ચા થઈ રહી છે.
ઇસનપુર વિસ્તારમાં સમ્રાટનગરના રહીશો કોરોના ટેસ્ટીંગ માટે સહકાર આપતા ન હતા. સોસાયટીમાં સાત જેટલા પોઝીટીવ કેસ મળી આવ્યા બાદ પણ રહીશોએ ગંભીરતા દાખવી ન હતી. ઝોનના ડે. હેલ્થ ઓફિસર ડો.તેજસ શાહે રૂબરૂ જઈ ને સમજાવવાના પ્રયત્ન કર્યા હતા તેમ છતાં ટેસ્ટ માટે કોઈ રહીશ તૈયાર થયા નહતા. તેથી કોરોના સંક્રમણને રોકવા માટે સોસાયટીના તમામ મકાનને માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા હતા. જેના કારણે રહીશો ટેસ્ટ કરાવવા તૈયાર થયા હતા. મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ ઘ્વારા બુધવારે 10 ટીમો મૂકવામાં આવી હતી. તેમજ 732 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 28 સેમ્પલ પોઝિટિવ જાહેર થયા છે. આ કેસ માત્ર 12 મકાનમાંથી જ મળ્યા છે. તમામ પોઝિટિવ દર્દીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.