ઇસરી નજીક સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી, કારમાં ચાલતી દારૂની લાઈનનો પર્દાફાશ કર્યો
રાજસ્થાનથી બેઠાબેઠા ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતા કુખ્યાત બુટલેગર ભરત લંગડો ગાંધીનગર બેઠેલા આકાઓ અને સ્થાનીક પોલીસતંત્રના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મીલીભગતથી દારૂની લાઈન ચલાવી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઠાલવી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે
રેન્જ આઈજી અભય ચુડાસમા અને એસપી સંજય ખરાતના આગમન પછી અરવલ્લી પોલીસતંત્રએ બુટલેગરો પર તવાઈ બોલાવતા દારૂની લાઈન ચલાવતા બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા
સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતા જ બુટલેગરો સક્રીય થઈ વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે ત્યારે રાજસ્થાન ઉદેપુરના નામચીન બુટલેગર ભરત લંગડાના અરવલ્લીને અડીને આવેલ વીરપુરમાં ગોડાઉનથી દારૂ ભરી ગાડીઓ ગુજરાતમાં ઠલવાતી હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલને મળતા રેલ્લાવાડા નજીક માળકંપા પાસે જીલ્લા પોલીસતંત્રને ઉંઘતી રાખી બે દારૂ ભરેલી કાર સાથે એક ખેપીયાની ધરપકડ કરતા જીલ્લા પોલીસતંત્રમાં હડકંપ મચ્યો હતો નવાઈની વાત તો એ છે કે દારૂની ડીલેવરી ધનસુરાના શીકા ચોકડી પર રોહીત નામના બુટલેગરને આપવાની હોવાનું ખેપીયાએ કબુલ્યું હતું
સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમે એસઆરપીની ટુકડી સાથે અરવલ્લી જીલ્લાના ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભરત લંગડાની ચાલતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરતા જીલ્લા પોલીસતંત્રના બાહોશ અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે
સ્ટેટ મોનેટરીંગ સેલને નામચીન બુટલેગર ભરત લંગડો અને તેના સાગરીતો અરવલ્લી જીલ્લાના અંતરિયાળ માર્ગો પરથી વિદેશી દારૂ ઠલવાતો હોવાની બાતમી મળતા રાજસ્થાનને અડીને આવેલ ઈસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એસઆરપી જવાનો સાથે અલગ-અલગ ટીમ બનાવી વોચ ગોઠવી હતી
માળકંપા પાસે રાજસ્થાન તરફથી બલેનો કાર આવતા પોલીસે સ્કોર્પિઓ ગાડી આડાશ કરી અટકાવતા કાર ચાલકે સ્કોર્પિઓને ટક્કર મારતા કાર અટકી જતા સ્ટેટ મોનીટરીંગ સેલે ડ્રાઈવર મનીષ ઉર્ફે મંગલા જીવાજી ધોગરા ને ઝડપી પાડી કારમાંથી રૂ.૧૧૩૯૦૦૦/- જથ્થો જપ્ત કર્યો હતો
અન્ય સ્વીફ્ટ કાર પણ દારૂ ભરેલી આવી પહોંચતા તેને અટકાવવાનો પ્રયત્ન કરતા સ્કોર્પિઓને ટક્કર મારી ખાડામાં ઉતરી જતા કારમાં રહેલા બે ખેપીયા નાસી છૂટતા કારમાંથી ૧.૧૬ લાખનો જથ્થો જપ્ત કર્યો હતો હજુ તો સ્વીફ્ટ કાર ને અટકાવી હતી ત્યાં ફોર્ડ ફિગો કારમાં દારૂ ભરી આવી રહેલ કારને અટકવાનો પ્રયત્ન કર્યો હતો
પરંતુ બુટલેગરો ફુલસ્પીડમાં કાર હંકારી મુકતા સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમને બે કારમાંથી દારૂ ઝડપી પાડવામાં સફળતા મળી ભરત લંગડા અને તેના સાગરીતો દ્વારા ચલાવતી દારૂની ખેપનો પર્દાફાશ કર્યો હતો સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમે ખેપિયાની પૂછપરછ કરતા દારૂ ભરેલી કાર મોડાસા-ધનસુરા રોડ પર આવેલ શિકા ચોકડી પર રોહીત નામના બુટલેગરને આપવાની હોવાનું જણાવ્યું હતું સ્ટેટ મોનીટરીંગ સેલે ઇસરી પોલીસ સ્ટેશને વિદેશી દારૂ અને કાર સહીત મુદ્દામાલ મળી કુલ.રૂ. ૯૯૩૯૦૦/- નો જથ્થો સુપ્રત કર્યો હતો