ઇ સિગારેટનું હબ કાલુપુર !! મુંબઇથી ઇ સિગારેટના પાર્સલ આવતા.

શહેરભરના પાનના ગલ્લા પર મુંબઇથી ઇ સિગારેટના પાર્સલ આવતા હતા, ઓનલાઇન પેમેન્ટ થતું હતું
મોનિટરિંગ સેલે ૯ લાખના પ્રતિબંધિત ઇ સિગારેટના જથ્થા સાથે ૩ને ઝડપ્યા
અમદાવાદ,દારૂની માફક ઇ સિગારેટ પર પણ પ્રતિબંધ છે તેમ છતાં શહેરના પાનના ગલ્લા પર ઇ સિગારેટ મળી રહે છે. આ ઇ સિગારેટથી યુવાધનના સ્વસ્થ્યને ભયાનક નુકસાન થઇ રહ્યું છે તેમ છતાં તેનું વેચાણ સતત વધી રહ્યું છે ત્યારે જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે શહેરભરના તથા ગુજરાતના મોટા પાનના ગલ્લા પર ઇ સિગારેટ સપ્લાય કરતા કાલુપુર ગાંધી રોડના અરિહંત ગિફ્ટ એન્ડ કિચેઇન શોપમાં દરોડા પાડીને ઇ સિગારેટનો મોટો જથ્થો ઝડપી લીધો છે. ૯.૧૧ લાખની ઇ સિગારેટ સાથે ત્રણ સપ્લાયરોને ઝડપી લેવામાં આવ્યા છે. તપાસમાં તેઓ શહેરભરમાં ઇ સિગારેટનો સપ્લાય કરતા હોવાનું જાણી શકાયું છે.
મુંબઇના મોઇન પાસેથી આ ઇ સિગારેટ મગાવવામાં આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા કેટલાક હુક્કાબારને બાદ કરતાં મોટા ભાગના હુક્કાબાર બંધ થઇ ગયા છે. જેને પગલે હવે યુવાધાન ઇ સિગારેટ (વેપ)ના રવાડે ચડ્યુ છે. પ્રતિબંધિત ઇ સિગારેટનું વેચાણ ખુલ્લેખામ શહેરના લક્ઝુરિયસ પાનના ગલ્લા પર ચાલી રહ્યું છે ત્યારે જ સ્ટેટ મોનિટરિંગ સેલના નિર્લિપ્ત રાય અને કે.ટી. કામરિયાની ટીમને બાતમી મળી હતી કે કાલુપુર, ગાંધીરોડ, વલંદાની હવેલી ખાતેની અરિહંત ગિફ્ટ એન્ડ કિચન શોપમાંથી ઇ-સિગારેટનો શહેરભરમાં સપ્લાય થાય છે અને હાલ ત્યાં મોટો જથ્થો પડ્યો છે.
તેને પગલે મોનિટરિંગ સેલે અરિહંત ગિફ્ટ એન્ડ કિચન શોપમાં દરોડા પાડીને માસ્ટરમાઇન્ડ મનોજ જુંમરજી લખવારા (રહે. શીવશક્તિ નગર, ભાર્ગવ રોડ, મેઘાણીનગર), ભરતજી ભરથુજી દરબાર (રહે. મહેસાણા જિલ્લો, વીજાપુર) અને રાકેશ ભીમરામ લાખરા (રહે. શીવશક્તિ નગર, મેઘાણીનગર)ની અટકાયત કરી હતી. મોનિટરિંગ સેલની ટીમે તેમના ગોડાઉન પર પર સર્ચ કરીને ઇ સિગારેટના ૪૮૯ પેકેટ કે જેની કિંમત ૯.૧૧ લાખ થાય તે કબજે કરી હતી.
સિગારેટનો જથ્થો કબજે લઇ મનોજ અને તેના સાગરીતોની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે તે મુંબઇના મોઇન પાસેથી ઇ સિગારેટ મગાવે છે અને શહેરના મોટા ગલ્લા તેમજ ગાંધીનગર, સંતરામપુર, અને સાબરકાંઠા સુધી ઇ સિગારેટનો જથ્થો પહોંચાડતો હતો. સામાન્ય રીતે મોનિટરિંગ સેલ દારૂ જુગાર, ડ્રગ્સ અને સટ્ટાબેટિંગ સહિતના કેસ કરતી હોય છે.પ્રતિબંધિત ઇ સિગારેટનો ઘણા પોલીસ અધિકારીઓને પણ ખાસ્સો ક્રેઝ છે. જેને પગલે શહેરના કાલુપુર વિસ્તારમાં આ ઇ સિગારેટનો વેપલો સતત વધી રહ્યો છે. આ પ્રકરણની તટસ્થ તપાસ કરવામાં આવે તો ઘણા લોકોની સંડોવણી સામે આવી શકે તેમ છે.ss1