ઈંગ્લેન્ડના મહાન ક્રિકેટર બોથમ ઓસ્ટ્રેલિયામાં મગરમચ્છ ધરાવતી નદીમાં ખાબક્યા!
એક સમયના પ્રતિસ્પર્ધી મર્વ હ્યુજે બોથમને આબાદ બચાવ્યા
ઈંગ્લેન્ડના ૬૮ વર્ષીય ઓલરાઉન્ડર બોથમ ગત સપ્તાહે ઓસ્ટ્રેલિયામાં જૂના મિત્રો સાથે ડાર્વિનથી દક્ષિણપશ્ચિમ તરફ મોયલ નદીમાં ફિશિંગ કરવા ગયા હતા
મેલબોર્ન,ઈંગ્લેન્ડના મહાન ક્રિકેટર ઈયાન બોથમ આજકાલ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છે. ઓસ્ટ્રેલિયામાં માછલી પકડવા જતા બોથમને ભયાનક અનુભવ થયો હતો. ઓસ્ટ્રેલિયામાં ઉત્તર પ્રાંતમાં મગરમચ્છ અને શાર્ક ધરાવતી નદીમાં બોથમ ખાબક્યા હતા. ત્યારબાદ તેના એક સમયના પ્રતિસ્પર્ધી અને હાલમાં સારા મિત્ર એવા મર્વ હ્યુજે બહાર કાઢતા બોથમનો આબાદ બચાવ થયો હતો. ઈંગ્લેન્ડના ૬૮ વર્ષીય ઓલરાઉન્ડર બોથમ ગત સપ્તાહે ઓસ્ટ્રેલિયામાં જૂના મિત્રો સાથે ડાર્વિનથી દક્ષિણપશ્ચિમ તરફ મોયલ નદીમાં ફિશિંગ કરવા ગયા હતા.
ત્યાં અચાનક પગ લપસતા બોથમ નદીમાં પડ્યા હતા. પ્રાપ્ત અહેવાલ મુજબ બોથમના પગરખાં કોઈ દોરીમાં અટવાઈ જતા તેઓ કાઢવા જતા સંતુલન ગુમાવી બેઠા હતા અને લપસ્યા હતા. ઓસ્ટ્રેલિયાના ધુરંધર ઝડપી બોલર હ્યુજે સમયસુચકતા દર્શાવી હતી અને ત્યાં નજીકમાં હાજર માછીમારોની મદદથી બોથમને ઝડપથી નદીમાંથી બહાર કાઢ્યા હતા.
આ દુર્ઘટનામાં બોથમને બોટનું પડખું ઘસાતા શરીર પર કેટલાક ઉઝરડાં પડ્યા હતા. બોથમે બાદમાં ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે, હું નદીમાં જેટલી ઝડપથી પડ્યો તેની બમણી ઝડપથી બહાર આવી ગયો હતો. પરંતુ નદીમાં કેટલાક મગરમચ્છો અને શાર્ક મારા પર નજર રાખી રહ્યા હતા. મારો જીવ બચાવવા બદલ હું મારા મિત્રોનો આભારી છું.ss1