ઈંગ્લેન્ડને પછાડી ટી૨૦ ટીમ રેન્કિંગમાં ભારત ટોચના સ્થાને
નવી દિલ્હી, વેસ્ટઈન્ડિઝની સામે ૩ મેચોની સીરીઝમાં ૩-૦થી ક્લીન સ્વીપ કર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ આઈસીસીની તાજી ટી૨૦ ટીમ રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગઈ છે. ઈડન ગાર્ડન્સમાં રમાયેલી ત્રીજી મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને ૧૭ રનથી હરાવીને લેટેસ્ટ ટી૨૦ ટીમ રેન્કિંગમાં પ્રથમ નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઈન્ડિયાએ ઈંગ્લેંડને પછાડીને ટી૨૦ રેન્કિંગમાં પોતાની બાદશાહી કાયમ કરી છે. ભારતની પાસે હવે ૨૬૯ રેટિંગ થઈ ગયા છે જ્યારે ઈંગ્લેંડના પણ એટલા જ છે પરંતુ ભારતની પાસે ઈંગ્લેંડ કરતા વધારે પોઈન્ટ છે.
આઈસીસી દ્વારા જાહેર કરાયેલી ટી૨૦ ટીમ રેન્કિંગ અનુસાર લેટેસ્ટ રેકિંગમાં ટીમ ઈન્ડિયાના ૩૦ મેચોમાં રેકિંગ પિરીયડ દરમિયાન ૧૦૪૮૪ પોઈન્ટ છે જે ઈંગ્લેંડ કરતા ૧૦ વધારે છે. ભારત અને ઈંગ્લેંડ સિવાય પાકિસ્તાન (૨૬૬ રેટિંગ), ન્યુઝીલેન્ડ(૨૫૫) અને દક્ષિણ આફ્રિકા (૨૫૩)એ ટોપ-૫માં પોતાનું સ્થાન બનાવ્યું છે. બીજી તરફ શ્રીલંકાની સામે ૪-૧થી ટી૨૦ સીરીઝ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયા(૨૪૯) છઠ્ઠા સ્થાન પર કાયમ છે.SSS