‘ઈકો કારના હપ્તા બાકી છે’ તેમ કહી ગઠિયા કાર લઈ રફુચક્કર

અમદાવાદ, ઓઢવના મહિન્દ્રા ફાઈનાન્સના કર્મચારી હોવાની ઓળખાણ આપીને ત્રણ અજાણ્યા શખ્સો ઈકો કારના હપ્તા બાકી છે તેમ કહી કાર લઇને રફુચક્કર થઇ ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઈકો કારના મૂળ માલિક જ્યારે ફાયનાન્સની ઓફિસે ગયા ત્યારે ઠગાઈ થઈ હોવાની ખબર પડી હતી.
સિંગરવાના ચામુંડાનગરમાં રહેતા અને ઇગલ આઈ સિક્યોરિટીમાં નોકરી કરતા પ્રફુલ્લભાઈ ગજભીયેએ ત્રણ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. પ્રફુલ્લભાઈએ તેમની કંપનીમાં કોનટ્રાક્ટ ચલાવતા ઉદયસિંહ રાણાના ઓળખીતા જિજ્ઞેશ વાઘેલાને તેમની ઈકો કાર દોઢ મહિનાથી ભાડે ચલાવવા માટે આપી હતી.
થોડા દિવસ પહેલાં પ્રફુલ્લભાઈને સાંજના સમયે ઇકો કાર ચલાવતા જિજ્ઞેશ વાઘેલાએ ફોન કર્યાે હતો અને કહ્યં કે બપોરના ચાર વાગ્યાની આસપાસ તે ઈકો કારના ફેરા મારતો હતો ત્યારે ઓઢવની ચાલીના બ્રીજના છેડે બાઈક પર ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતા.
તેમાંથી બે શખ્સો બાઈક પરથી ઊતરીને મારી પાસે આવ્યા અને મને કહ્યું કે અમે મહિન્દ્રા ફાઈનાન્સમાંથી આવીએ છીએ. ઈકો કારના ત્રણ હપ્તા ચઢી ગયા છે, જેથી અમે તમારી ઈકો કાર ટોઈંગ કરી જઈએ છીએ. તમે ઓફિસે આવીને હપ્તા ક્લિયર કરી જાઓ. તેમણે આમ કહેતાં જિજ્ઞેશે કહ્યું કે તમે મૂળ માલિક સાથે વાત કરી લો. આ કાર મારી નથઈ. અજામ્યા શખ્સો જિજ્ઞેશને તમે ઓફિસ આવીને કાર છોડાવી જજાે તેમ કહીેને ઇકો કાર લઈને ફરાર થઈ ગયા હતા.
ત્યારબાજ જિજ્ઞેશે મૂળ માલિકને ફોન કરી ઈકો કાર અંગેની વાત કરી હતી, જેથી પ્રફુલ્લભાઈએ ફાઈનાન્સની ઓફિસમાં જઈને તપાસ કરી તો જાણ થઇ કે તેમણે કોઈ કાર ટો કરી નથી તેમજ કોઈ હપ્તા પણ બાકી નથઈ. ત્યારબાદ ઈકો કારના ડ્રાઈવર જિજ્ઞેશને ત્રણ અજાણ્યા શખ્સો છેતરીને કાર લઇને ફરાર થઇ ગયા હતા, જેથી મૂળ માલિક પ્રફુલ્લભાઈએ ગઠિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.