ઈગ્બો ઓરા: જોડિયાં બાળકોની રાજધાની
રતાળુમાં ગોનાડોટ્રોપિન નામનું રાસાયણિક તત્ત્વ હોય છે, જે સ્ત્રીઓમાં ઘણાં સ્ત્રીબીજ ઉત્પન્ન કરે છે
જોડિયાં બાળકો કૂતૂહલનું કારણ તો બને જ છે. સામાન્ય રીતે માણસ જતમાં એક પ્રસુતિમાં એક જ સંતાન પેદા થતું હોય છે, પરંતુ ક્યારેક કુદરતની કરામત એવી થાય છે કે એકસાથે બે કે તેથી વધુ બાળકોના જન્મ થતા હોય છે. એવાં બાળકોને જોડિયાં બાળકો કહેવામાં આવે છે. દુનિયામાં સૌથી વધુ જોડિયાં બાળકો નાઈજીરિયાના ઈગ્બો ઓરા શહેરમાં જન્મે છે. તેથી જ તે શહેરને જોડિયાં બાળકોની રાજધાની ગણવામાં આવે છે !માણસ જાતમાં એક જ પ્રસૂતિમાં મહદ્અંશે એક જ બાળક પેદા થતું હોય છે, પરંતુ ક્યારેક વધુ પડતી ફળદ્રુપતાને કારણે એક કરતા વધુ બાળકો પણ જન્મ લેતા હોય છે. સામાન્ય રીતે જોડિયાં બાળકો એટલે કે એક સાથે બે સંતાન પેદા થવાની સંભાવના વધુ હોય છે.
ક્યારેક બેથી વધુ બાળકો પણ એક જ પ્રસૂતિમાં જન્મ લેતાં હોય છે. જોડિયાં બાળકો એટલે એક જ પ્રસૂતિમાં પેદા થતાં બાળકો, એ બાળકો ચહેરેમહોરે એકસરખાં પણ દેખાતાં હોય, તો કયારેક એ સાવ જુદાં પણ દેખાતાં હોય છે. ક્યોરક જોડિયાં બાળકો બંને છોકરા હોય એવું બને, તો ક્યારેક બંને છોકરીઓ હોય એવું પણ બને. તો વળી જોડિયામાં એક છોકરો હોય અને બીજી છોકરી જન્મે એવું પણ બની શકે છે. ચહેરેમહોરે અલગ દેખાતાં હોય એવાં બાળકો અંગે ખાસ કુતૂહલ થતું નથી, પરંતુ એકસરખા દેખાતાં બાળકો જોઈને ભલભલા અચંબામાં પડી જતા હોય છે. ખાસ કરીને તેમની ઓળખ અંગે ગૂંચવાડો પેદા થતો હોવાને કારણે પણ લોકો આશ્ચર્ય વ્યકત કરતા રહે છે.
આખી દુનિયામાં જોડિયા બાળકો જન્મતાં રહેતાં હોય છે, પરંતુ તેમની સંખ્યા ઓછી હોવાને કારણે ખાસ નોંધ લેવાતી નથી. નાઈજીરિયાના એક શહેરમાં એટલા બધાં જોડિયાં બાળકો જન્મે છે કે ત્યાં ૧ર ઓકટોબરથી જોડિયાં બાળકોને વધાવી લેવાનો એક ઉત્સવ શરૂ થયો છે.આફ્રિકાના દેશ નાઈજીરિયાની દક્ષિણ પશ્ચિમે ઈગ્બો શહેર આવેલું છે. આ શહેરમાં આજકાલ જોરદાર સંગીતની સાથે સાથે ટેલેન્ટ શો અને બીજી અનેક પ્રવૃતિઓ દ્વારા ઉત્સવ મનાવી રહ્યા છે. અનેક શાહી મહેમાનોની સાથે સેંકડો લોકો આ ઉત્સવ ઉજવે છે. જાણેએક તહેવાર હોય એમ નાનાં બાળકોથી માંડીને મોટેરાંઓ એકસરખાં કપડાં પહેરીને ઉત્સવમાં ભાગ લેતાં હોય છે.નૃત્યમંડળીઓ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરે છે. ઓયો રાજયની રાજધાની ઈબાદાન યુનિવર્સિટીમાં યોરુબા સંસ્કૃતિના સંશોધક ફેલો તાઈવો ઓજેવાલે કહે છે કે જોડિયા બાળકોનો ઉત્સવ પરંપરાગત ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે.
યોરુબા સંસ્કૃતિમાં જોડિયાં બાળકોનું સન્માન કરવામાં આવે છે. તેમના નામો પણ પરંપરાગત રીતે પાડવામાં આવે છે. જોડિયાં બાળકોમાં પણ સૌથી મોટા બાળક માટે તાઈવો અને બીજા બાળકને કેહિંડે કહે છે. તાઈવોનો અર્થ એવું બાળક જે દુનિયાને સૌથી પહેલાં નીહાળે છે. તો કેહિંડેનો અર્થ એ બાળક જે પાછળથી જન્મ્યું છે.ઈગ્બો ઓરા શહેરમાં એક પણ પરિવાર એવો નથી, જેમાં જોડિયાં બાળકો ન હોય ! સામાન્ય રીતે દુનિયામાં દર ૧૦૦૦ બાળકો જન્મે તેમાંથી ૧ર બાળકો જોડિયા હોય છે. જયારે ઈગ્બો ઓરા શહેરમાં દર ૧૦૦૦ બાળકો જન્મે તેમાં ૪પ બાળકો જોડિયા હોય છે. મતલબ કે દુનિયાના સરેરાશ જોડિયાં બાળકો કરતાં વધુ જોડિયા બાળકો એ શહેરમાં જન્મે છે.
ઈગ્બો ઓરા શહેરમાં દુનિયાના સૌથી વધુ જોડિયાં બાળકો કેમ જન્મે છે. એ પાછળ કોઈ ચોક્કસ કારણ નથી, પરંતુ સ્થાનિક લોકો આહારને જોડિયા બાળકોના જન્મ માટે કારણભૂત માને છે. તેઓ આહારમાં ભીંડાનાં પાંદડા, રતાળુ અને આમળાંનો ઉપયોગ વધુ કરે છે. રતાળુમાં ગોનાડોટ્રોપિન નામનું રાસાયણિક તત્ત્વ હોય છે, જે સ્ત્રીઓમાં ઘણાં સ્ત્રીબીજ ઉત્પન્ન કરે છે. જોકે, નિષ્ણાતો આ વાત માનતા નથી. તેમના મતે જોડિયાં બાળકોના જન્મ પાછળ આનુવંશિક કારણો હોય છે. જોકે નિષ્ણાતો માને છે કે આહાર અને જોડિયાં બાળકો વચ્ચે કોઈ સંબંધ નથી.જોડિયાં બાળકોની આ રાજધાનીમાં જોડિયાં બાળકોને વધાવી લેવાનો અવસર એક ઉત્સવ રૂપે મનાવવામાં આવે છે.