ઈજનેર થોડા દિવસો પહેલાં જ પુનઃ નોકરીએ જાેડાયા હતા
નરોડામાં અવાવરૂ જગ્યાએથી મ્યુનિ.ના ઈજનેરની લાશ મળી!
(એજન્સી) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશનમાં દરિયાપુર ફ્રૂટી મસ્જીદ વિસ્તારમાં સુપરવાઈઝર ઈજનેર વિભાગમાં ફરજ બજાવતા અશોકકુમાર યાદવની લાશ અવાવરૂ જગ્યાએથી મળી આવી હતી. નરોડા પોલીસે હત્યાની શંકાના આધારે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો. અને પ્રાથમિક તપાસ શરૂ કરી છે. હાલના તબક્કે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નરોડા પોલીસને બુધવારે બપોરે મેસેજ મળ્યોહ તો કે નાના ચિલોડા પાસે આવેલા ટોયેટા કંપનીના શો રૂમ પાસેે ઝાડીઓમાં એક વ્યક્તિની લાશ પડી હતી. જેથી નરોડા પીઆઈ પી.બી.ખાંભલા સહિતના લોકો ત્યાં પહોંચ્યા હતા. ત્યારબાદ લાશ મામલે તપાસ હાથ ધરી છે.
પોલીસને જાણવા મળ્યુ હતુ કે મૃતક અશોક કુમાર રામપ્રસાદ યાદવ (ઉ.વ.૪પ) છે. તેઓ ભદ્રશ્વર હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા હતા. અશોકકુમાર એએમસીમાં સુપરવાઈઝર ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. વધુ તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, કેટલાંક અજાણ્યા શખ્સો અહીં લાશ ફેંકીને જતા રહ્યા હતા.
જેથી પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે. આ ઉપરાંત મૃંતકના ફોન કોલની ડીટેઈલ મેળવવા માટેની તજવીજ પણ હાથ ધરી છે. મૃતકને કોઈની સાથે અણબનાવ હતો કે નહીં સહિતના અનેક મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં લાશ પર કેટલાંક ઈજાના નિશાન અને મોંઢામાંથી ફીણ નીકળ્યુ હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળ્યુ છેે.