ઈજિપ્તમાં બે ટ્રેન ટકરાતાં ૩૨નાં મોતઃ ૧૦૦થી વધુ લોકો ઘાયલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/advt-western-2021-scaled.jpg)
કાહિરા: ઈજિપ્તમાં શુક્રવારે બે ટ્રેનો સામસામે ટકરતા ઓછામાં ઓછા ૩૨ વ્યક્તિઓ માર્યા ગયાના અહેવાલ મળી રહ્યા છે. જણાવાઈ રહ્યું છે કે, આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી મોટાભાગના લોકોની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે, જેથી મૃતકોનો આંકડો વધી શકે છે. ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય યુદ્ધસ્તર પર ચાલી રહ્યું છે. આ અકસ્માત બાદના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યા છે.
પ્રાથમિક રિપોર્ટ મુજબ, આ અકસ્માત સોહાગ શહેરના ઉત્તરમાં થયો. ઘટના બની એ સ્થળ ઈજિપ્તની રાજધાની કાહિરાથી ૪૬૦ કિમી દક્ષિણમાં છે. ઈજિપ્તના આરોગ્ય મંત્રાલયે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૩૨ લોકોના મોતની પુષ્ટિ કરી છે. જ્યારે કે, ૧૦૦થી વધુ ઘાયલ થયા હોવાનું જણાવાઈ રહ્યું છે. સ્થાનિક મીડિયાએ જણાવ્યું છે કે, ટ્રેનના ત્રણ કોચ પાટા પરથી ઉતરી ગયા છે.
જાેકે, અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલા ઈજિપ્તની રાજધાની કાહિરાના રેમ્સ સ્ટેશન પર એક ગમખ્વાર ટ્રેન અકસ્માત થયો હતો. એ અકસ્માતમાં ઓછામાં ઓછા ૨૪ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. એક ટક્કરથી એક વિસ્ફોટ પણ થયો હતો.
સ્ટેમેન્ટમાં આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, સ્થિતને કાબુમાં લેવા માટે ડઝન જેટલી એમ્બુલન્સ ઘટનાસ્થળની નજીકના હોસ્પિટલોમાંથી મોકલી દેવાઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોઝ અને તસવીરોમાં જાેઈ શકાય છે કે, ટ્રેનના કોચ એકબીજા પર ચઢી ગયા અને પાટા પરથી ઉતરી ગયા છે. ઘટનાસ્થળની આસપાસના લોકો ટ્રેનના કાટમાળ પર ચઢીને ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, ઈજિપ્તના લોકો દેશમાં પરિવહનનું સ્તર કથળી રહ્યાની નિયમિત ફરિયાદો કરતા રહે છે. અહીં રેલવેના પાટા ખરાબ રીતે પાથરવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. આંકડા મુજબ ઈજિપ્તમાં દરરોજ ૧૪ લાખથી વધુ લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે.