ઈઝરાયલની પાસેથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શીખોઃ હાઈકોર્ટ જજની ટકોર
સરસ્વતી નદીમાં પ્રદૂષણ મામલે ટકોર
(એજન્સી) અમદાવાદ, સિદ્ધપુર પાસેની સરસ્વતી નદીમાં પ્રદુષણ મામલે હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી કરાઈ છે. ચીફ જસ્ટીસની ખંડપીઠ સમક્ષ હાથ ધરાયેલી સુનાવણીમાં રજુઆત કરાઈ હતી કે, સરસ્વતી નદીના કાંઠે સોલીડ વેસ્ટ કચરો ઠાલવવામાં આવી રહયો છે,
જેથી પવીત્ર ગણાતી નદી અતિપ્રદુષીત બનતી જાય છે. ખંડપીઠે આ સાંભળીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ટકોર કરી હતી કે, નદી કાંઠે સોલિડ વેસ્ટના કચરા ઠાલવવા માટે મંજૂરી કોણે આપી છે ? આ માત્ર એક નદીની વાત નથી પરંતુ તમામ નદીમાં પ્રદુષણ કરાઈ રહયું છે.
કોર્ટે જીપીસીબી અને સરકારને ઉદેશીને કહયું કે, ‘વિશ્વભરમાં સૌથી વધુ સોલીડ વેસ્ટ ઈઝરાયેલમાં બને છે તેમ છતાં તેમની પાસેનું મેનેજમેન્ટ જુઓ, ઈઝરાયેલ પાસેથી શીખો.’અરજીની સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટીસે નારાજગી દર્શાવતાં ટકોર કરી કે, આવનારા દિવસોમાં સોલીડ વેસ્ટની સમસ્યા અતિ ગંભીર સ્વરૂપ ધારણ કરશે.
નદીમાં સોલીડ વેસ્ટ ઠાલવીને પ્રદુષીત કરતા પહેલા ઈઝરાયેલ પાસેથીસોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શીખવા જેવું છે. કોર્ટનો મિજાજ પારખીને નગરપાલિકા તરફથી હાજર રહેલા વકીલે કોર્ટનું ધ્યાન દોરતા એવી દલીલ કરી હતી કે, સરસ્વતી નદીના કાંઠેથી કચરો હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.