ઈઝરાયેલી દૂતાવાસ નજીક થયેલા બ્લાસ્ટની જવાબદારી જૈશ ઊલ હિંદે લીધી
નવી દિલ્હી, રાજધાની દિલ્હીમાં ઇઝરાયલના દૂતાવાસ બહાર થયેલા બ્લાસ્ટમાં સૌથી મોટો ખુલાસો થયો છે. દૂતાવાસ નજીક થયેલા IED બ્લાસ્ટની જવાબદારી જૈશ-ઉલ હીંદ નામના સંગઠને લીધી છે. આ સંગઠને દાવો કર્યો છે કે તેણે જ ઈઝરાયેલી દૂતાવાસની સામે બ્લાસ્ટ કરાવ્યો છે. દેશની ગુપ્તચર એજન્સી દ્વારા આ બાબતની તપાસ કરાવાઈ રહી છે.
ગુપ્તચર એજન્સીઓને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ પર એક ચેટ મળ્યું છે. ઘટના સ્થળે રાષ્ટ્રીય તપાસ એજન્સીના 6થી 7 અધિકારીઓ પહોંચી ગયા છે. આ પહેલા દિલ્હી પોલિસની સ્પેશ્યલ સેલના અધિકારીઓ પણ પહોંચ્યા હતા.
ઇઝરાયલ દૂતાવાસ પાસે થયેલા બ્લાસ્ટમાં ઇરાન કનેક્શન હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. દિલ્હી પોલીસ તેમજ તપાસ એજન્સીઓને ઘટનાસ્થળેથી ઇઝરાયલી રાજદૂતના નામે એક પત્ર તેમજ અડધો સળગી ગયેલો ગુલાબી રંગનો દુપટ્ટો મળી આવ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ એક પરબિડીયાની અંદરથી આ ચિઠ્ઠી મળી આવી છે. જેમાં જણાવ્યું હતું કે આ વિસ્ફોટ એક ટ્રેલર છે, મુખ્ય ફિલ્મ હજુ બાકી છે. એેટલે કે ઇઝરાયેલી રાજદૂતાવાસ પાસે બીજો મોટો વિસ્ફોટ થઇ શકે છે. આ પત્ર મળતાં સિક્યોરિટી એજન્ટ્સ સાબદા થઇ ગયા હતા.
સાથે જ આ ચિઠ્ઠીમાં ઇરાનના કાસિમ સુલેમાની અને વરિષ્ઠ ન્યૂક્લિયર વૈજ્ઞાનિક મોહસિન ફખરીજાહેદનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચિઠ્ઠી મળ્યા બાદ હવે ફોરેન્સિક વિભાગની ટીમ ફિંગર પ્રિન્ટની તપાસ કરવામાં લાગી ગઇ છે.