ઈઝરાયેલી સ્પાઈક મિસાઈલનુ પરિક્ષણ
નવી દિલ્હી, ભારતે ઈઝરાયેલમાં બનેલા સ્પાઈક મિસાઈલ્સ ખરીદયા છે. આ મિસાઈલ થકી ભારતીય સેના ગણતરીની સેકંડોમાં દુશ્મન બંકર અને ટેન્કોનો ખાતમો કરી શકશે. સ્પાઈક મિસાઈલ એન્ટી ટેન્ક મિસાઈલની ચોથી પેઢીની મિસાઈલ છે. જે ચાર કિલોમીટર સુધીની રેન્જના લક્ષ્યને ભેદી શકે છે. મહત્વની વાત એ છે કે તેનાથી આતંકી અડ્ડાઓ પણ ધ્વસ્ત કરી શકાય છે. સ્પાઈક મિસાઈલને ખભા પરથી લોન્ચ કરી શકાય છે અને તેની હેરફેર કરવી પણ આસાન છે.
જોકે ભારતીય સેનાએ મિસાઈલનો ફાયર પાવર જોવા માટે મધ્યપ્રદેશની મહુ મિસાઈલ રેન્જમાં તેનુ પરિક્ષણ કર્યુ હતુ. જે જોવા માટે આર્મી ચીફ જનરલ બિપિન રાવત ખાસ હાજર રહ્યા હતા. પરિક્ષણ દરમિયાન ટેન્કના ડમી મોડેલને મિસાઈલે સચોટ રીતે ફૂંકી માર્યુ હતુ. સ્પાઈક મિસાઈલને જમ્મુ કાશ્મીરની બોર્ડર પર તૈનાત કરવામાં આવી છે.
જાણકારોનુ કહેવુ છે કે, તેનાથી સેના આતંકીઓના અને પાકિસ્તાની સેનાના બંકરોને, લોન્ચ પેડને અને પ્રશિક્ષણ શિબિરોને ટાર્ગેટ કરી શકશે. આ મિસાઈલ ફાયર અને ફરગેટના સિધ્ધાંત પર કામ કરે છે. 210 મિસાઈલ અને 12 લોન્ચર માટે ભારતે 280 કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો. આ સોદો બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને સૈનિકોની વધારેલી તૈનાતી બાદ કર્યો હતો.