ઈડર પંથકમાંથી ચંદનના પાંચ ઝાડની ચોરી

ઈડર, સાબરકાંઠા જિલ્લાના ઈડર પંથકમાં ડેરા-તંબૂ તાણી બેસી ગયેલ ચંદનચોર છેલ્લા કેટલાય સમયથી વારંવાર ચંદન ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ જાય છે.
બડોલીમાંથી ર૭ ચંદનના ઝાડ ચોરાયાની ઘટનાની શાહી તો હજુ સુકાઈ નથી. ત્યાં જ તસ્કરોએ ૮ માસના વિરામ બાદ ફરીવાર વસાઈ પંથકમાં તરખાટ મચાવી છેલ્લા બે દિવસ દરમ્યાન કુદરતી ચંદનના પાંચ ઝાડ ચોરી જતા ખેડૂતોએ ઉજાગરા કરવાની નોબત આવી છે.
ગત માસે બડોલીમાંથી ૧૬ ચંદન ઝાડ બે ખેડૂતના ૪ ચંદન ઝાડની ચોરી થઈ હતી ત્યારબાદ વલાસણા રોડ તથા રાજચંદ્ર વિહાર સોસાયટીમાંથી ચંદન ચોરાયાની બુમ ઉઠી હતી.
તમામ બનાવોનો ભેદ ઉકેલવા પોલીસ મથામણ કરી રહી છે અને આઠ માસ બાદ ફરીવાર ચંદનચોરોએ પંથકને નિશાન બનાવ્યું હતું. અને વસાઈમાંથી ચંદનના વધુ પાંચ ઝાડની ચોરી કેશુભાઈ દેસાઈ તથા અશોકભાઈ કાળુભાઈ તેમજ શગુભાઈ કાળુભાઈના ખેતરમાંથી કરી હતી પરંતુ પોલીસ તંત્રે ચંદન ઝાડ ચોરીથી તરખાટ મચાવતી પરપ્રાંતિય ચંદનચોર ગેગનો પર્દાફાશ કરી એક મુખ્ય સુત્રધાર મહિલા સહિત તસ્કરોને જેલ હવાલે કર્યા હતા.