ઈદગાહ માટે મુસ્લિમ ભાઈઓને બે હિંદુ બહેનોએ ૨.૧ એકર જમીન દાનમાં આપી પૂરી કરી પિતાની અંતિમ ઈચ્છા.
અંતિમ શ્વાસ લેતા પહેલા પિતાએ જમીન મુસ્લિમ ભાઈઓને દાનમાં આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
દહેરાદુન,ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર જિલ્લાના નાના શહેર કાશીપુરમાં ૬૨ વર્ષીય અનિતા અને તેમની ૫૭ વર્ષીય બહેન સરોજે સેંકડો મુસ્લિમોના દિલ જીતી લીધા છે. બંને બહેનોએ ઈદ પહેલા ૧.૨ કરોડથી વધુની કિંમતની ૨.૧ એકર જમીન ઈદગાહ બનાવવા માટે દાનમાં આપીને તેમના પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરી, જેઓ આશરે ૨૦ વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા.
આદરના ભાગરૂપે મુસ્લિમ સમુદાયના સભ્યોએ મંગળવારે ઈદની નમાઝ દરમિયાન તેમના માટે દુઆ કરી હતી. કેટલાકે તો તેમની તસવીર વોટ્સએપ પર તેમના પ્રોફાઈલ પિક્ચરમાં પણ રાખી હતી. લાલા બ્રજનંદન રસ્તોગી, જેઓ ૨૦૦૩માં ૮૦ વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા, તેઓ ખેડૂત હતા અને કાશીપુરમાં કેટલાક એકર જમીનની માલિકી ધરાવતા હતા, તેમના નિધન બાદ તે જમીન અનિતા અને સરોજને મળી હતી. થોડા વર્ષ બાદ, ઘરે કેટલાક પરિવારજનો સાથે વાતચીત કરતી વખતે, બહેનોને જાણ થઈ હતી કે, લાલા તેમના મુસ્લિમ ભાઈઓને જમીનનો એક ભાગ આપવા માગતા હતા.
અને બાળકો સમક્ષ તેમની ઈચ્છા વ્યક્ત કરવામાં ખચકાટ અનુભવતા હતા. હાલમાં, સંબંધીઓ સાથે આ બાબતે ચર્ચા કર્યા બાદ, મેરઠમાં તેમના પરિવાર સાથે રહેતા સરોજ અને દિલ્હીમાં રહેતા અનિતા, આખરે તેમના ભાઈ રાકેશની (જેઓ કાશીપુરના રહેવાસી છે) મદદથી જમીન ટ્રાન્સફરની ઔપચારિકતા પૂર્ણ કરવા માટે રવિવારે કાશીપુર આવ્યા હતા. રાકેશે કહ્યું હતું કે, ‘મારા પિતા કોમી એકતામાં માનતા હતા. તેમણે ઈદગાહ માટે જમીન દાનમાં આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેથી નમાઝ માટે ઈદ જેવા તહેવાર પર વધુ લોકોને સમાવી શકાયય. મારી બહેનોએ તેમની ઈચ્છાને માન આપ્યું હતું. ઈદગાહ સમિતિના પ્રમુખ હસીન ખાને લાલાને સોનાનું દિલ ધરાવતા માણસ ગણાવ્યા હતા.
અને કહ્યું હતું કે ‘જ્યારે તેઓ જીવિત હતા ત્યારે તમામ મહત્વના પ્રસંગોમાં કમિટી સૌથી પહેલા તેમની પાસેથી દાન લેતી હતી. તેઓ માત્ર પૈસા જ નહોતા આપતા પરંતુ મુસ્લિમ શ્રદ્ધાળુઓને મીઠાઈ અને ફ્રૂટ પણ આપતા હતા. તેમના નિધન બાદ, તેમના દીકરાએ ચાર્જ સંભાળ્યો હતો અને હવે આવા પ્રસંગો પર દાન આપનાર તેઓ સૌથી પહેલા નંબર પર હોય છે’. તેમણે ઉમેર્યું હતું કે, ‘લાલા અને મારા પિતા મહોમ્મદ રઝા ખાનની મિત્રતા આશરે ૫૦ વર્ષ જૂની હતી. તેઓ હવે આ દુનિયામાં નથી પરંતુ તેમનો ભાઈચારો આજે પણ અમને ઘણું શીખવે છે’. આ વિસ્તાર હકીકતમાં શાંતિનું પ્રતીક છે.
ત્યાંના વિવિધ સમુદાયો વચ્ચેના ભાઈચારા વિશે વાત કરતાં ખાને જણાવ્યું હતું કે, ઈદગાદ ગુરુદ્વારા અને હનુમાન મંદિરની વચ્ચે છે. ‘પરંતુ ક્યારેય પણ સાંપ્રદાયિક તણાવની કોઈ ઘટના બની નથી. આજે (મંગળવાર) પણ હનુમાન મંદિરના પૂજારીએ મને ઈદની નમાઝના સમય વિશે પૂછ્યું હતું. જ્યારે મેં તમને તે ૯ વાગ્યે હોવાનું જણાવ્યું ત્યારે તેમણે તે જ સમયે સવારની આરતી થવાની હોવાથી લાઉડ સ્પીકર ધીમું રાખશે તેમ કહ્યું હતું’. ઈદગાદ કમિટીના સભ્ય નૌશાદ હુસૈને કહ્યું હતું કે, ‘લાલા બ્રજનંદન અને તેમના પરિવારના કામની આસપાાસના તમામ મુસ્લિમ ઘરોમાં ચર્ચા થાય છે. તેમની આ ઉદારતાને અમે સલામ કરીએ છીએ. આપણી વચ્ચે આવા લોકો છે ત્યારે દેશને ક્યારેય નુકસાન નહીં થાય’.sss