ઈન્કમટેક્ષ પાસે નકલી પોલીસ ત્રાટકી: મહીલાને લુંટી ફરાર
(પ્રતિનિધિ) અમદાવાદ, મહીલાઓની સુરક્ષા બાબતે તંત્ર ખાડે ગયુ હોવાના પુરાવા જેવી વધુ એક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે જેમાં ખાનગી કંપનીમાં કામ કરતી મહીલાને ધોળા દિવસે રસ્તામાં રોકી અજાણ્યા શખ્સે ક્રાઈમબ્રાંચના પોલીસ તરીકેની ઓળખ આપીને પોતાની કારમાં બેસાડીને ધમકીઓ આપીને તથા ચપ્પુ બતાવીને તેની પાસેથી ચાર હજાર રૂપિયા તથા ૪૦ હજાર રૂપિયાની સોનાની વીંટીઓ જબરદસ્તીથી ઉતરાવી લીધી હતી બાદમાં તેને ખાડીયા બસ સ્ટોપ ખાતે ઉતારી દીધી હતી આ ઘટનાની તપાસ નવરંગપુરા પોલીસ ચલાવી રહી છે.
ઘટનાની વિગત એવી છે કે નિશા મોહમદ જમાલઉદ્દીન ખાતુન (૩ર) નામની મુળ કલકત્તાની મહીલા હાલમાં આનંદનગર ખાતે રહે છે ગઈ ૩૦ નવેમ્બરે નિશા એક મિત્રને મળીને માંગલ્ય હોટેલ ખાતેથી રીક્ષામાં આનંદનગર આવવા નીકળી હતી રીક્ષા ઈન્કમટેક્ષ ચાર રસ્તા પહોંચી ત્યારે અચાનક એક કાર ચાલકે રીક્ષા ઉભી રખાવી હતી અને કાર ચાલક નિશાની બાજુમાં બેસીને પોતાનું આઈકાર્ડ બતાવી ક્રાઈમબ્રાંચના પોલીસ તરીકે ઓળખ આપી હતી અને પોતાનું નામ સલીમમીયાં હુસેનમીયાં રાઠોડ (અમન સીટી, બીબી તળાવ, વટવા) જણાવ્યું હતું અને સલીમે કહેતા નિશા રીક્ષામાંથી તેની કારમાં બેસી ગઈ હતી બાદમાં સલીમે નિશાને ત્રણ કલાક સુધી અલગ અલગ વિસ્તારોમાં ફેરવી હતી દરમિયાન થપ્પડો મારીને ચપ્પુ બતાવી હતી ઉપરાંત તું જે કામ કરે છે ગેરકાયદેસર છે જે પોલીસ ફરીયાદ થશે અને તે માટે ક્રાઈમબ્રાંચ લઈ જવાની છે તેમ કહીને જાે ક્રાઈમ બ્રાંચ ન જવું હોય તો રૂપિયા અને હાથમાં પહેરેલી સોનાની વીંટીઓ આપવા કહયું હતું. જાેકે નિશાએ ના પાડતાં સલીમે જબરદસ્તીથી ૪ વીંટી અને રોકડ સહીત ૪૪ હજારની મત્તા લઈ લીધી હતી અને સવારે લાલ દરવાજા પોલીસ ચોકી બોલાવશુ ત્યારે પરત આપીશું તેમ કહીને તેને ખાડીયા બસ સ્ટોપ નજીક ઉતારી દીધી હતી. આ ઘટના બાદ ગુરૂવારે નિશાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદ નોંધાવતા પોલીસે હવે નકલી પોલીસને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.