ઈન્ટરનેટની સ્પીડને કારણે ૬૦ ટકા બાળકો ઓનલાઈન કલાસ ભરી શકતા નથી
નવી દિલ્હી, કોરોના મહામારીને કારણે લગભગ ૧૮ મહિનાથી શાળાઓ બંધ છે. જાેકે, આ શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ શરુ છે. એવામાં એક રિપોર્ટમાં મળેલી માહિતી મુજબ દેશમાં લગભગ ૬૦ ટકાથી વધુ બાળકો ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકતા નથી. આ સ્થિતિમાં હાલની શાળા તેમજ શિક્ષણની વ્યવસ્થાને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, મોટી સંખ્યામાં બાળકો શિક્ષણથી વંચિત છે.
મહત્વનું છે કે અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ૬૦ ટકા શાળાના બાળકો વચ્ર્યુઅલ રીતે શિક્ષણ એટલે નથી મેળવી શકતા કારણ કે, તેમની પાસે ઈન્ટરનેટની વ્યવસ્થા જ નથી.
બીજી તરફ અન્ય એક રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, ગ્રામ્ય જ નહીં પરંતુ શહેરી વિસ્તારોમાં પણ શાળાઓનાં અડધાથી વધુ બાળકોએ ઈન્ટરનેટ સિગ્નલ અને સ્પીડને લઈને ફરિયાદ કરી છે. ઉપરાંત મોબાઈલ ડેટાને લઈ ભારે ખર્ચો તેમના માટે મુસીબત બન્યો છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ માત્ર ર૦ ટકા બાળકો જ મહામારી દરમિયાન સંપૂર્ણ રીતે ઓનલાઈન કલાસ કરી શકયા છે જેમાંથી પણ માત્ર અડધા બાળકો લાઈવ કલાસમાં જાેડાઈ શકે છે.
રિપોર્ટના દાવા સાથે કહેવામાં આવ્યું છે કે ઈન્ટરનેટની સમસ્યાને કારણે આશરે ૩૮ ટકા બાળકોએ શાળા છોડી દીધી છે. તો અન્ય ૩૮ ટકા લોકોએ જણાવ્યું કે ઓનલાઈન માધ્યમ બરાબર નથી. (એન.આર.)